Ahmedabad Flower Show Digital Tickets: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવા વર્ષની ભેટ રૂપે સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી ભવ્ય 'ફ્લાવર શો-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફ્લાવર શોને વધુ આકર્ષક બનાવવા માટે અનેક નવીન ફલોરલ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓની સરળતા માટે ટિકિટના દરો, ઓનલાઇન બુકિંગ પ્રક્રિયા અને પ્રવેશના નિયમોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર
રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટિકિટના જે દરો સૂચવવામાં આવ્યા હતા તેમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર રૂ. 120ને બદલે રૂ. 80 નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે શનિવાર, રવિવાર અને જાહેર રજાઓના દિવસોમાં ભીડને ધ્યાનમાં રાખીને ટિકિટનો દર રૂ. 150ને બદલે રૂ. 100 રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, જે લોકો શાંતિથી ફ્લાવર શો માણવા માંગતા હોય તેમના માટે સવારે 8:00 થી 9:00 અને રાત્રે 10:00 થી 11:00નો VIP સ્લોટ રાખવામાં આવ્યો છે, જેની ફી રૂ. 500 નક્કી કરાઈ છે.
આ વર્ષે ફ્લાવર શો જુઓ સ્માર્ટ રીતે!
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) December 29, 2025
લાઇન છોડો, QR કોડ સ્કેન કરો અને ઓનલાઇન ટિકિટ બુક કરો.#onlinebooking #online #sabarmatiriverfront #riverfront #ahmedabad pic.twitter.com/22ke9wpE71
ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટિંગની સુવિધા
AMC દ્વારા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને ટિકિટ બારી પરની ભીડ ઘટાડવા માટે QR કોડ આધારિત ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ઓનલાઇન પ્રક્રિયા: નાગરિકો જાહેર કરવામાં આવેલા QR કોડને સ્કેન કરીને પેજ ખોલી શકશે. જેમાં નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ડિજિટલ ટિકિટ મળશે, જે બતાવીને સીધો પ્રવેશ મેળવી શકાશે. જો પેમેન્ટ બાદ ટિકિટ ન મળે, તો 'ડાઉનલોડ ટિકિટ' મેનુમાં જઈ મોબાઈલ નંબર નાખી ટિકિટ મેળવી શકાશે.
- ઓફલાઇન પ્રક્રિયા: રિવરફ્રન્ટની સામેના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં ફિઝિકલ ટિકિટ બારીઓ પણ બનાવવામાં આવી છે, જ્યાંથી રોકડ આપીને ટિકિટ મેળવી શકાશે.
અટલ બ્રિજ અને કોમ્બો ટિકિટ
ફ્લાવર શોની સાથે અટલ બ્રિજની મુલાકાત લેવા માંગતા લોકો માટે 'કોમ્બો ટિકિટ'નો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જોકે, માત્ર અટલ બ્રિજ પર જવા માંગતા લોકોએ અલગથી નિયત ફી ચૂકવવાની રહેશે. ઓનલાઇન બુકિંગ દરમિયાન મુલાકાતીઓ પોતાની પસંદગી મુજબનો વિકલ્પ (ફક્ત ફ્લાવર શો અથવા કોમ્બો) સિલેક્ટ કરી શકશે.
મહત્વના નિયમો અને સૂચનાઓ
- નોન-રિફંડેબલ: એકવાર બુક કરાવેલી ટિકિટ કેન્સલ કરી શકાશે નહીં કે તેના પૈસા પરત મળશે નહીં.
- સમય મર્યાદા: સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી સામાન્ય મુલાકાતીઓ માટે પ્રવેશ ચાલુ રહેશે.
- 12 વર્ષથી નીચેના બાળકો: નાના બાળકો માટે પ્રવેશ અંગેના નિયમોમાં રાહત આપવામાં આવી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂલોની સુગંધ અને રંગબેરંગી નજારો જોવા માટે શહેરીજનોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧ જાન્યુઆરીથી શરૂ થતા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને જોતા પોલીસ અને સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
