Ahmedabad News: નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી જંગી ભીડ અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા વિસ્તૃત ટ્રાફિક નોટિફિકેશન અને સુરક્ષા પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના મુખ્ય માર્ગો પર ડાયવર્ઝન અમલી બનશે અને નશાખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
31 ડિસેમ્બર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસની તૈયારીના ભાગરૂપે નવનિર્મિત પોલીસ સંવાદ કેન્દ્રથી ઇ. પોલીસ કંટ્રોલ ડીસીપી એન્ડ પી.આર.ઓ શ્રી ભરતકુમાર રાઠોડ નો સંદેશ@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat #AhmedabadPolice pic.twitter.com/f6hdtNd7kf
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 29, 2025
મુખ્ય માર્ગો પર પ્રતિબંધ અને વૈકલ્પિક વ્યવસ્થા
શહેરના બે સૌથી વ્યસ્ત વિસ્તારોમાં વાહનોની અવરજવર પર નીચે મુજબ પ્રતિબંધ રહેશે:
1) સી.જી. રોડ (નો-વ્હીકલ ઝોન):
31મી ડિસેમ્બર સાંજે 6:00થી 1લી જાન્યુઆરી વહેલી સવારે 3:00 વાગ્યા સુધી સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે. આ રોડની બંને બાજુ પાર્કિંગ પર પણ પ્રતિબંધ છે. વાહનચાલકો મીઠાખળી સર્કલ અથવા સેન્ટ ઝેવિયર્સ કૉલેજ રોડનો ઉપયોગ કરી શકશે.
2) સિંધુ ભવન રોડ (SBR):
રાત્રે 8:00 વાગ્યાથી મોડી રાત્રે 3:00 વાગ્યા સુધી જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન સુધીનો રોડ બંધ રહેશે. વાહનોને આંબલી ઓવરબ્રિજથી શિલજ સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
3) એસ.જી. હાઇવે અને પાર્કિંગ:
એસ.જી. હાઇવે પર ભારે વાહનો પ્રતિબંધિત રહેશે. પકવાનથી સાણંદ ચોકડી અને નેહરુનગરથી ઇસ્કોન સુધીના સર્વિસ રોડ પર પાર્કિંગ કરી શકાશે નહીં.
ટેકનોલોજી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સમગ્ર શહેરમાં 9000 થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને હાઇટેક બનાવવામાં આવી છે:
- બોડી વોર્ન કેમેરા: પોલીસ જવાનોના યુનિફોર્મ પર 2560 કેમેરા હશે, જે દરેક હિલચાલ રેકોર્ડ કરશે.
- ક્વિક રિસ્પોન્સ: 123 PCR વાન અને 9 QRT ટીમો તાત્કાલિક મદદ માટે તૈયાર રહેશે.
- તપાસ સાધનો: 39 સ્પીડ ગનથી ઓવરસ્પીડિંગ અને 4 બોમ્બ સ્ક્વોડ (BDDS) દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરવામાં આવશે.
નશાખોરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ
દારૂ અને ડ્રગ્સનું સેવન કરીને વાહન ચલાવનારાઓ માટે આ વર્ષે બચવું મુશ્કેલ બનશે. પોલીસ દ્વારા 443 બ્રેથ એનાલાઈઝર સાથે સઘન ચેકિંગ હાથ ધરાશે. શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર 14 ચેકપોસ્ટ સહિત કુલ 63 પોઈન્ટ્સ પર વાહનોની તપાસ કરવામાં આવશે.
નો ડ્રોન ફલાય ઝોન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કારણોસર 27 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી શહેરના તમામ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સદંતર પ્રતિબંધ (No Drone Fly Zone) લાદવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને રસ્તો આપે. નિયમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.
