Ahmedabad Tragedy: સરખેજના શકરી તળાવમાં થયેલી દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે, મજાક-મસ્તીમાં 3 યુવકોએ જીવ ગુમાવ્યો

આ દુર્ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ચારમાંથી ત્રણ યુવકો બોટમાં બેઠા છે અને એક યુવક લાકડાનો ઉપયોગ હલેસા તરીકે કરી રહ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 04 Sep 2025 09:51 AM (IST)Updated: Thu 04 Sep 2025 10:27 AM (IST)
ahmedabad-tragedy-last-video-of-youths-drowned-in-sarkhej-goes-viral-597037
HIGHLIGHTS
  • શકરી તળાવનું રિડેવલપમેન્ટ માર્ચ-એપ્રિલ 2025માં જ પૂર્ણ થઈ ગયું હતું.
  • પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી તેનું લોકાર્પણ કર્યું નથી.

Ahmedabad Tragedy: અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં એક કરુણ ઘટના બની હતી. જેમાં મજાક મસ્તી કરતા ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિડેવલપમેન્ટ થયેલા આ તળાવમાં ચાર યુવકો કોર્પોરેશનની બોટ લઈને અંદર ગયા હતા. તે દરમિયાન, એક યુવક બોટમાં બેસીને મસ્તી કરવા લાગ્યો અને બોટને હલાવવા લાગ્યો, જેના કારણે બોટ ઊંધી વળી ગઈ હતી. આ ઘટનામાં પપ્પુ ચાવડા, મનહર ચાવડા અને રાધે નામના ત્રણ યુવાનોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે, જ્યારે ચોથો યુવક બોટમાંથી ઉતરી ગયો હોવાથી બચી ગયો હતો.

આ દુર્ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ચારમાંથી ત્રણ યુવકો બોટમાં બેઠા છે અને એક યુવક લાકડાનો ઉપયોગ હલેસા તરીકે કરી રહ્યો છે. આ દરમિયાન, બોટમાં બેઠેલા એક યુવકે મજાકમાં બોટને હલાવવાનું શરૂ કર્યું, જેના પરિણામે બોટ અચાનક ઊંધી વળી ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે.

મહત્ત્વનું છે કે, આ દુર્ઘટના પાછળ તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. શકરી તળાવનું રિડેવલપમેન્ટ માર્ચ-એપ્રિલ 2025માં જ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી તેનું લોકાર્પણ કર્યું નથી. કોન્ટ્રાક્ટરે આ માટે પાંચ વખત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસને પત્રો લખીને જાણ કરી હતી કે આ સ્થળ અસામાજિક તત્વો અને ડ્રગ્સ-દારૂના સેવનનો અડ્ડો બની રહ્યું છે. તેમ છતાં, કોઈ પગલાં ન લેવાતા આ કરુણ ઘટના બની છે. જો સમયસર લોકાર્પણ થયું હોત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોત, તો આ યુવકોના જીવ બચી શક્યા હોત.

પરિવારોમાં શોકનો માહોલ

આ ઘટનાને કારણે ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક મનહર ચાવડાની માત્ર 5 મહિનાની દીકરી હવે નોંધારી બની ગઈ છે. જ્યારે, પપ્પુ ચાવડાની માતાએ ફોન કરીને પૂછ્યું કે 'ક્યાં છો?' અને થોડી જ વારમાં તેની લાશ મળતા માતા અને પરિવાર આઘાતમાં સરી પડ્યા છે. આ વીડિયો હવે પોલીસના હાથમાં આવ્યો છે અને તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે.