All India Police Badminton Cluster 2026: દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ ખાતે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બેડમિન્ટન અને ટેબલ ટૅનિસ રમતોનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ આજ રોજ અમદાવાદના વીર સાવરકર કૉમ્પ્લેક્સ ખાતે ગુજરાતના રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહની અધ્યક્ષતામાં યોજાશે.
890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે
રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ટુર્નામેન્ટની રૂપરેખા આપતા જણાવ્યું કે, ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધાને દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. સ્પર્ધામાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ દળો મળી કુલ 38 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 890 પુરુષ ખેલાડીઓ તેમજ 272 મહિલા ખેલાડીઓ પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના 463 ગેઝેટેડ ઓફિસર્સ અને 699 નોન-ગેઝેટેડ ઓફિસર્સ ખભે-ખભો મિલાવીને રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે. યજમાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યો તથા ઇન્ટેલિજન્સ બ્યુરો, CRPF અને BSF જેવા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટીમો આ રોમાંચક મુકાબલાઓ માટે સજ્જ બની છે.
રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે, વીર સાવરકર કૉમ્પ્લેક્સ ખાતે તા.19 થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતની હરીફાઈ પૂરતી સીમિત નથી, પરંતુ ફરજની વ્યસ્તતા વચ્ચે પોલીસ કર્મચારીઓમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે. આગામી દિવસોમાં યોજાનાર આ સ્પર્ધાઓથી દેશભરના પોલીસ દળો વચ્ચે પરસ્પર સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહમાં નવો સંચાર થશે.
