Ahmedabad: સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લેતા પહેલા આ વાંચો, ગુજરાત સરકારે કરી મોટી સ્પષ્ટતા

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશને લઈને વિવાદ ઉભો થયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 01 Jun 2026 09:34 AM (IST)Updated: Mon, 01 Jun 2026 09:34 AM (IST)
ahmedabad-st-xaviers-college-gcas-admission-dispute-gujarat-high-court
HIGHLIGHTS
  • સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ વિવાદ
  • GCAS પોર્ટલ અંગે સરકારની સ્પષ્ટતા

Ahmedabad St. Xavier's College Admissions: ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદની જાણીતી ઓટોનોમસ કોલેજ એવી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. જોકે, સરકારે જાહેર નોટિસ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં માત્ર GCAS દ્વારા થયેલ પ્રવેશ જ માન્ય રહેશે.

શું છે એડમિશનનો સમગ્ર વિવાદ?

સરકારે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં યુજી-પીજી (UG-PG) પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ જીકાસ (GCAS) શરૂ કર્યું છે. પરંતુ, સેન્ટ ઝેવિયર્સ કોલેજે માઈનોરિટી અને ઓટોનોમસ સ્ટેટસના આધારે GCAS થી અળગા રહીને પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે, અને વિદ્યાર્થીઓને પોતાના જ પોર્ટલ પરથી અરજી કરવા જણાવ્યું હતું.

સરકારે આ સામે લાલ આંખ કરતા કહ્યું છે કે, સેન્ટ ઝેવિયર્સ કોલેજનું પોર્ટલ સરકાર દ્વારા અધિકૃત નથી અને તેમાંથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં કાયદાકીય અવરોધ ઉભો થઈ શકે છે. GCAS સિવાય મેળવેલા પ્રવેશની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાની રહેશે.

પ્રવેશ માટેની અરજીમાં મોટો તફાવત

આ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં છે. મળતી માહિતી મુજબ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પોતાના પોર્ટલ પર UG માં 3300 થી વધુ અને PG માં 300થી વધુ અરજીઓ આવી છે. જ્યારે બીજી તરફ, સરકારના GCAS પોર્ટલ મારફતે સેન્ટ ઝેવિયર્સ કોલેજ માટે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ચોઈસ સબમિટ કરી છે.

અગાઉ પણ પ્રવેશમાં થઈ હતી ખેંચતાણ

વર્ષ 2024 માં પણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઓટોનોમસ સ્ટેટસના આધારે GCAS માં જોડાઈ ન હતી. જોકે, 2025 માં સરકારની સમજાવટ બાદ કોલેજ તેમાં જોડાઈ હતી. પરંતુ આ વર્ષે ફરી એકવાર સેન્ટ ઝેવિયર્સ કોલેજે GCAS માં જોડાવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

હાઈકોર્ટમાં સુનાવણી, હવે આગળ શું?

આગામી 1 તારીખે GCAS માં UG કોર્સીસ માટે સીટ એલોટમેન્ટ થવાનું છે. ત્યારે જે 10 હજાર વિદ્યાર્થીઓએ GCAS પર આ કોલેજની પસંદગી કરી છે. તેમને કોલેજ પ્રવેશ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ વિવાદને પગલે ઝેવિયર્સ કોલેજે પોતાની રીતે બહાર પાડેલા મેરિટ લિસ્ટ બાદ એલોટમેન્ટ પ્રક્રિયાને હાલ પૂરતી હોલ્ડ પર રાખી છે.

હવે કોલેજ મેનેજમેન્ટ સરકારના GCAS મુદ્દે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યું છે. આગામી 8 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે, ત્યારબાદ જ કોલેજ આગળ શું કરવું તેનો અંતિમ નિર્ણય લેશે. બીજી તરફ, સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભ્રમિત ન થવા અપીલ કરી છે.