Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન સામે ઝુંબેશ હાથ ધરી છે. આજે હાથ ધરાયેલી તપાસ દરમિયાન, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અને જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા બદલ કુલ 112 એકમોને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત, 10 વ્યાપારી એકમોને સીલ કરવામાં આવ્યા હતા. સિંધુ ભવન રોડ પર ચાલી રહેલા ZADE ગ્રુપના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ દ્વારા જાહેર માર્ગ પર કાદવ-કીચડ અને ગંદકી ફેલાવવા બદલ 5 લાખનો દંડ ફટકારવોમાં આવ્યો છે.
ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ તપાસ હાથ ધરાઇ હતી. ઝોનના તમામ વોર્ડમાં સવાર અને સાંજની ખાસ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટીમોએ કુલ 135 એકમોની ચકાસણી કરી હતી, જેમાં શાકભાજીના ફેરિયાઓ, પાનના ગલ્લા અને ચાની કીટલીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન 9 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ નિર્ધારિત માપદંડોનું પાલન ન કરનારા એકમો સામે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
આ 10 એકમો સીલ કરવામાં આવ્યા
| વિસ્તાર | એકમનું નામ | ક્ષતિ |
| ઘાટલોડિયા | ગજાનંદ અલ્યુમિનીયમ ઘાટલોડિયા | ગંદકી કરવા બદલ |
| ઘાટલોડિયા | રીધમ પાન પાર્લર ઘાટલોડિયા | ગંદકી કરવા બદલ |
| ઘાટલોડિયા | લેમન ટી કોફી સ્ટોર ઘાટલોડિયા | ગંદકી કરવા બદલ |
| ઘાટલોડિયા | વિશ્વકર્મા ગ્રેનાઈટ ઘાટલોડિયા | પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા બદલ |
| ઘાટલોડિયા | અનીતા કોર 1 અયોધ્યા કોમ્પ્લેક્ષ ઘાટલોડિયા | ગંદકી કરવા બદલ |
| ઘાટલોડિયા | કે.ડી ગૃહ ઉધોગ ઘાટલોડિયા | ગંદકી કરવા બદલ |
| બોડકદેવ | ટેસ્ટ ઓફ egg બોડકદેવ | ગંદકી કરવા બદલ |
| બોડકદેવ | હારી ઓમ છોલે પૂરી બોડકદેવ | ગંદકી કરવા બદલ |
| બોડકદેવ | કૃષ્ણ ડીલક્ષ પાન પાર્લર બોડકદેવ | પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરવા બદલ |
| બોડકદેવ | swiggy insta માર્ટ જોધપુર બોડકદેવ | ગંદકી કરવા બદલ |
સિંધુ ભવન રોડ પર ZADE ગ્રુપને 5 લાખનો દંડ ફટાકારાયો
અન્ય એક કાર્યવાહીમાં, ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા બોડકદેવ વોર્ડમાં સ્થિત સિંધુ ભવન રોડ પર ચાલી રહેલા ZADE ગ્રુપના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ સામે લાલ આંખ કરવામાં આવી છે. 29 મે, 2026 ના રોજ સવારે મોર્નિંગ રાઉન્ડ દરમિયાન તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, પ્રોજેક્ટ સાઇટ પરથી નીકળતા વાહનો દ્વારા જાહેર માર્ગ પર કાદવ-કીચડ અને ગંદકી ફેલાવવામાં આવી રહી હતી.
ટાઈમમાર્ક કેમેરાના ડેટા અને પુરાવાઓના આધારે, મહીસાગર કાઠિયાવાડી હોટેલ પાસે ન્યુસન્સ ફેલાવવા બદલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ZADE ગ્રુપને 5,00,000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવાની નોટિસ ફટકારી છે. રસ્તાની સફાઈ અને જાહેર આરોગ્યને જોખમમાં મૂકવા બદલ જી.પી.એમ.સી. એક્ટ હેઠળ આ કડક પગલું લેવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન-2025 ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં સફાઈ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. જાહેર માર્ગો પર ગંદકી કે ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
