અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, અટલ બ્રિજ-ફ્લાવર પાર્કનો સમય વધારાયો; જાણો નવો સમય

અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 23 May 2026 02:33 PM (IST)Updated: Sat, 23 May 2026 02:33 PM (IST)
ahmedabad-sabarmati-riverfront-atal-bridge-flower-park-timing-extended
HIGHLIGHTS
  • રજાઓ વચ્ચે અમદાવાદીઓ માટે ખુશખબર
  • અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કનો સમય વધાર્યો

Ahmedabad News: ઉનાળાની રજાઓ અને વેકેશનના માહોલ વચ્ચે અમદાવાદના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેતા સહેલાણીઓ માટે એક સારા સમાચાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા મુલાકાતીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાણો શું રહેશે નવો સમય?

હાલના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવતા તમામ ગાર્ડન રાત્રિના 11:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લા રાખવામાં આવે છે. પરંતુ, ગરમીની સીઝન અને વેકેશન દરમિયાન ખાસ કરીને રાત્રિના સમયે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્ક ખાતે લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

વધુ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તે હેતુસર, આ ત્રણેય સ્થળો માટે નવો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ખાસ સૂચના પણ આપવામાં આવી છે કે મુલાકાતીઓએ પાર્ક્સ અને ગાર્ડન્સમાં પ્રવેશ મેળવ્યા બાદ ત્યાંના તમામ જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

  • ટિકિટ લેવાનો સમય: રાત્રિના 11:00 વાગ્યા સુધી
  • મુલાકાતનો સમય: મધ્યરાત્રિ 12:00 વાગ્યા સુધી

નવા સમયનો અમલ ક્યારથી?

આ નવા સમયગાળાનો અમલ આગામી 25 મે, સોમવારથી કરવામાં આવશે, જેની તમામ નાગરિકોએ નોંધ લેવી. અમદાવાદના નાગરિકો, બાળકો, યુવાનો અને પ્રવાસીઓ ઉનાળાની સાંજને વધુ આનંદમય બનાવી શકે અને પરિવાર સાથે અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કની શાંતિપૂર્વક મુલાકાત લઈ શકે તે માટે આ સમય વધારવામાં આવ્યો છે.