Ahmedabad Integrated Sports Operations Centre: અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા વહીવટી તંત્રએ વિવિધ સ્તરે તૈયારીઓ શરૂ કરી છે. આ વૈશ્વિક રમત મહોત્સવ દરમિયાન વિદેશી મહેમાનો, ખેલાડીઓ અને પ્રેક્ષકોને પરિવહન, આરોગ્ય અને ઈમરજન્સી સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 9.40 કરોડના ખર્ચે ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર તૈયાર કરાશે.
AI સંચાલિત સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ
આ પણ વાંચો
ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ ઓપરેશન સેન્ટર પ્રોજેક્ટ હેઠળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી રમતગમતની તમામ વ્યવસ્થાને આવરી લેતી સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈ-ગવર્નન્સ, ઈલેક્ટ્રિકલ એન્ડ મટીરીયલપ્રોક્યુરમેન્ટ કમિટી દ્વારા આ આયોજનને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ પ્રોજેક્ટની કામગીરી એન કોડ સોલ્યુશન્સ નામની કંપનીને સોંપવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા શહેરના પ્રવાસન, BRTS, હોસ્પિટલો, હોટેલ અને રમતગમતસંકુલોનો ડેટા એકત્રિત કરી એક સ્માર્ટ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે.
રિયલ ટાઈમ માહિતી અને ઈમરજન્સી સેવા
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અંકિત પન્નુના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ દ્વારા લોકો ટ્રાફિક અને પાર્કિંગની રિયલ ટાઈમ માહિતી મેળવી સરળતાથી કાર્યક્રમના સ્થળે પહોંચી શકશે. આ પ્લેટફોર્મનું પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી ઈમરજન્સી સેવાઓ સાથે સંકલન કરાશે. જો ક્યાંય પણ અવ્યવસ્થા જોવા મળશે, તો સિસ્ટમ દ્વારા જવાબદાર વિભાગને તરત જ એલર્ટ મોકલવામાં આવશે.
સ્વયંસેવકો માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન
વૈશ્વિક કાર્યક્રમોમાં સ્વયંસેવકોને જોડવા માટે ખાસ વોલન્ટીયર મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામાં આવશે. જેમાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી સ્વયંસેવકોની નોંધણી, તાલીમ, હાજરી અને તેમના કામનું મૂલ્યાંકન કરી મહેનતાણું કે પુરસ્કાર આપવા સહિતની કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.
એક જ ડેશબોર્ડ પરથી મળનારી સુવિધાઓ
- રમતગમત સંકુલોની યાદી અને તેમની બેઠક ક્ષમતા
- રમતગમતના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને ખેલાડીઓની યાદી
- મેટ્રો અને સિટી બસની ઉપલબ્ધતા
- નજીકની હોસ્પિટલ અને હોટેલની વિગતવાર માહિતી
- પાર્કિંગના સ્થળોની ચોક્કસ જાણકારી
- GIS તકનીકથી ટ્રાફિક મેનેજમેન્ટ થશે
આ ઉપરાંત, આ પ્લેટફોર્મ પર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે નવી ઈવી બસની ખરીદી અને ગ્રીન કવર વધારવા જેવા નવા પ્રોજેક્ટ્સની માહિતી પણ લોકો જોઈ શકશે. આ હાઈટેક સેન્ટરથી અમદાવાદ વૈશ્વિક સ્તરે રમતગમતની યજમાની માટે સજ્જ બનશે.
