Ahmedabad Rain: અમદાવાદનો રેઈની સન્ડે: આ સિઝનમાં કુલ 39 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, પાણી ભરાતા હાલાકી, સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે ડૂબ્યો

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને સંત સરોવર તેમજ ધરોઈ ડેમમાંથી કુલ એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 01:44 PM (IST)Updated: Sun 07 Sep 2025 01:44 PM (IST)
ahmedabad-rain-update-39-inches-of-rain-this-season-sabarmati-riverfront-submerged-waterlogging-chaos-598899

Ahmedabad Rain News: અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી અવરિત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ અને કર્મચારીઓ રજા પર હોવાથી પાણીના નિકાલમાં વિલંબ થયો હતો, જેના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને સંત સરોવર તેમજ ધરોઈ ડેમમાંથી કુલ એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અમિત શાહે નાગરિકોને નદી કિનારે કે રિવરફ્રન્ટ પર ન જવા અપીલ કરી હતી. વાસણા બેરેજના 30માંથી 28 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા.

આ સિઝનનો કુલ 39.35 ઇંચ વરસાદ પડી ચૂક્યો

શહેરમાં શનિવાર રાત્રિ દરમિયાન દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયા બાદ, રવિવારે સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં પણ વરસાદ ચાલુ રહ્યો હતો. આ સમયગાળામાં રાણીપમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. પૂર્વ વિસ્તારના નરોડા, સરદારનગર, કોતરપુર, દૂધેશ્વર, કાલુપુર, અસારવા, વટવા, લાંભા, મણિનગર, જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આ સિઝનનો કુલ 39.35 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જે સિઝનના સામાન્ય 35 ઇંચના વરસાદ કરતાં 100 ટકાથી પણ વધુ છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વરસાદના કારણે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ચાંદખેડા પોલીસ સ્ટેશનની ગોદરેજ ગાર્ડન સિટી પોલીસ ચોકી આગળ અને સેવી સ્વરાજ ફ્લેટની બહારના રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેના કારણે પોલીસકર્મીઓ અને વાહનચાલકો બંનેને હાલાકી ભોગવવી પડી હતી. આ ઉપરાંત, ભદ્રકાળી મંદિર પાસે, લાલ દરવાજા બજાર અને સરદાર બ્રિજ નીચે પણ પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. રાણીપના ચેનપુરથી ડી કેબિન તરફ જતા સાંકડા રસ્તાઓ પર પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી, જ્યાં પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

બોપલ વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઇ

બોપલ વિસ્તારમાં ઇસ્કોન ગાંઠિયા નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલ પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં પાર્કિંગમાં ઊભેલી ત્રણ ગાડીઓ બાજુમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટના ખાડામાં પડી હતી. ભારે વરસાદના કારણે ભૂવો પડ્યો હોવાથી હોસ્પિટલના પાર્કિંગની દીવાલ ધસી પડી હતી. સદનસીબે, ગાડીઓમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી.