Ahmedabad: ગોતા વોર્ડમાં શા માટે ફેલાયેલા રોગચાળા? પાણીના સેમ્પલના રિપોર્ટમાં થયો ખુલાસો

ગોતા વોર્ડના ઘાટલોડિયા વિસ્તારમાં રોગચાળો ફેલાતા 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 09 Jun 2026 08:50 AM (IST)Updated: Tue, 09 Jun 2026 08:50 AM (IST)
ahmedabad-polluted-water-crisis-gota-epidemic-amc-water-sample-failed

Ahmedabad Gota ward epidemic: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બે મોટા વિસ્તારોમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ગોતા વોર્ડના ઘાટલોડિયા વિસ્તારમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ ફેલ જાહેર કરવામાં આવ્યા છે. જેથી કહી શકાય કે તાજેતરમાં અહીં ફેલાયેલો રોગચાળો પીવાલાયક પાણી ન હોવાથી ઉભો થયો હતો, જેમાં 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા.

દૂષિત પાણીનો કહેર, 3 જૂનના સેમ્પલ ફેલ

તાજેતરમાં, અમદાવાદના ગોતા વોર્ડમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં આકાંક્ષા ફ્લેટ અને આસપાસની પાંચ જેટલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે રોગચાળો ફેલાયો અને 300 જેટલા લોકો બીમાર પડ્યા હતા.

આ અંગે કાર્યવાહી કરતા AMC આરોગ્ય વિભાગ દ્વારા 3 જૂનના રોજ આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવન્યુ અને વર્ધમાન ફ્લેટમાંથી પાણીના સેમ્પલ લીધા હતા, જે ફેલ (અનફિટ) જાહેર કરવામાં આવ્યા છે. 14માંથી 3 સોસાયટીના રિપોર્ટ ફેલ આવ્યા હતા, જેથી સ્પષ્ટ થયું છે કે પાણી પીવાલાયક ન હોવાના કારણે જ આ રોગચાળો ફેલાયો હતો.

હવે પાણી પીવાલાયક બન્યું, નવી SOP બનશે

AMC આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, ગોતા વોર્ડમાં 4 જૂનના રોજ લેવાયેલા 17 સેમ્પલ અને 5 જૂનના રોજ લેવાયેલા સેમ્પલ મળીને કુલ 22 સેમ્પલ ફીટ એટલે કે પાણી પીવાલાયક હોવાનું સામે આવ્યું છે. આ પાણીમાં ક્લોરીનનું પ્રમાણ પણ જોવા મળ્યું છે અને હાલ ત્યાં કોઈપણ પ્રકારની બીમારીના નવા કેસો સામે આવ્યા નથી.

ડૉ. ભાવિન સોલંકીએ વધુમાં જણાવ્યું કે, હવે પ્રદૂષિત પાણી મામલે નવી SOP પ્રમાણે કામગીરી થશે, જેમાં પાંચથી વધુ સોસાયટીની પાણી અંગેની ફરિયાદ હશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

જોકે, ગોતા વોર્ડમાં ફેલાયેલા રોગચાળા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા જવાબદારોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આમ છતાં, હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના કોઈપણ અધિકારીની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવી નથી.

દૂષિત પાણી શાહીબાગમાં જનતા ભડકી

ગોતા ઉપરાંત શાહીબાગ વોર્ડની ભોગીલાલની ચાલીમાં છેલ્લા છ માસથી ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે AMC એન્જિનિયરો અને સ્ટાફ પાણીની લાઈન તપાસવા ગયા, ત્યારે રોષે ભરાયેલા ટોળાએ તેમને ઘેરીને ઝપાઝપી કરી, અપશબ્દો બોલ્યા અને તેમની ગાડીઓની ચાવીઓ આંચકીને તેમને બંધક બનાવી લીધા હતા. આખરે મામલો થાળે પાડવા માટે પોલીસ કાફલાને મેદાને ઉતારવો પડ્યો હતો.

નવી લાઇન નાખવાની કામગીરી શરૂ 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રેનેજ લાઈન બ્લોક હોવાના કારણે ગંદા પાણીની આ સમસ્યા સર્જાઈ હતી. વિવાદ બાદ તાત્કાલિક આ વિસ્તારમાં ટેન્કરો મારફતે શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. લાઈન ખોલવા માટે રિસાઈકલ મશીન અને CCTV કેમેરાની મદદ લેવાઈ રહી છે. હાલ નવી પાણીની લાઇન નાખવાની કામગીરી પણ ચાલુ કરી છે.