Ahmedabad: અમદાવાદના ગોતા-ઘાટલોડિયા વોર્ડમાં પ્રદૂષિત પાણી આવવાના કારણે 500 જેટલા રહીશોને ઝાડા-ઉલટી સહિત પેટ સબંધિત રોગો થયા હોવાનો સ્થાનિકોના આક્ષેપ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. એવામાં સમગ્ર મામલે હવે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે.
આજે ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઉદભવેલ ઝાડા ઉલટીની પરિસ્થિત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવી, મ્યુનિસપિલ કમિશનર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી તમામ પગલાઓ લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગોતા વોર્ડમાં અમુક સોસાયટીઓમાં પાઇપલાઇન રિપેરિંગ દરમ્યાન પ્રદુષિત પાણી પીવાના પાણી સાથે ભળી જવાના પરિણામે ઝાડા ઊલટીના કેસ સામે આવ્યા હતા. આ બાબત અમિત શાહના ધ્યાને આવતા તેઓએ રોગચાળાને નાથવા, ઉદભવેલ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ નાગરિકોને તાકીદે સારવાર આપવા વ્યવસ્થાતંત્રને સૂચનાઓ આપી હતી.
અમિત શાહની તાકીદ બાદ પાઇપલાઇન રિપેરિંગ અને રોગચાળાને નાથવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે. ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયેલ છે, તે તમામ સોસાયટીમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની તેમજ ક્લોરીન ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રોગચાળા અંતર્ગત તમામ સોસાયટીઓમાં ટેકનીકલ સુપરવાઈઝરઓ, આસીસ્ટન્ટ ઈજનેરઓ તથા આસીસ્ટન્ટ સિટી ઇજનેરઓ દ્વારા જુદી જુદી સોસાયટીઓ માં હયાત તમામ અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સ્થિતી ચકાસવાની, તમામ સોસાયટીઓને જરૂર જણાય તો AMC તરફથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ સફાઈ કરાવી આપવાની કામગીરી તથા સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે.
કંઈ-કંઈ સોસાયટીમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ
ગોતા-ઘાટલોડિયા વોર્ડની 9 જેટલી સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ ઉઠી છે. જેમાં આંકાંક્ષા સોસાયટી, નવરત્ન સોસાયટી, વિનાયક એપાર્ટમેન્ટ, વંદેમાતરમ ફ્લેટ, શ્યામ સત્તાધાર, વર્ધમાન સોસાયટી, ત્રિદેવ કોમ્પલેક્સ અને કૈલાસનગર સોસાયટીનો સમાવેશ થાય છે
