Crime News Gujarat: ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીના નોરતા નગરી ગરબા મહોત્સવમાં મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. ઇવેન્ટ મેનેજર અર્જૂનભાઈ ભુતિયા સાથે મળીને આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં અનિલ વિભાણીએ 4.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનાએ રાજ્યના ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ભારે ચકચાર જગાવી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2025માં નવરાત્રિ પહેલા બોપલ વિસ્તારમાં રહેતા ઇવેન્ટ મેનેજર અર્જૂનભાઈ ભુતિયાની મુલાકાત અનિલ વિભાણી સાથે થઈ હતી. અનિલે પોતાની ઈમેજ એક મોટા ઇવેન્ટ મેનેજર તરીકે રજૂ કરી હતી અને અર્જૂનભાઈને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં, એસપી રિંગરોડ સ્થિત ગોપાલ ફાર્મ ખાતે કિર્તીદાન ગઢવીના નોરતા નગરી ગરબાના આયોજન માટે બંને વચ્ચે સમજૂતી થઈ હતી.
ઠગ અનિલ વિભાણીએ અર્જૂનભાઈને ખાતરી આપી હતી કે તે ઇવેન્ટ માટે 3.25 કરોડ રૂપિયાની માતબર સ્પોન્સરશિપ લાવી આપશે. આ વાયદા પર ભરોસો રાખીને આયોજકોએ ઇવેન્ટના જાહેરાત, માર્કેટિંગ અને વીઆઈપી સુવિધાઓ પાછળ આશરે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ દરમિયાન અનિલે 1.5 કરોડ રૂપિયાની કિંમતના VIP પાસ અને ટિકિટો પણ મેળવી લીધી હતી.
વાયદા મુજબ સ્પોન્સરશિપ ન મળી, નાણાંની ઉઘરાણી કરતા મળી ધમકી
ઇવેન્ટ પૂર્ણ થયા બાદ પણ અનિલે આપેલો સ્પોન્સરશિપનો વાયદો પૂરો કર્યો નહોતો. જ્યારે અર્જૂનભાઈએ પોતાની રકમની માંગણી કરી, ત્યારે અનિલે સમય ખેંચ્યો અને ત્યારબાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં, ગત એપ્રિલ માસમાં જ્યારે અર્જૂનભાઈએ ફરીથી ઉઘરાણી કરી, ત્યારે અનિલ વિભાણીએ પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી અર્જૂનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી અંતે સરખેજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
બંટી-બબલીનું 20 કરોડનું સામ્રાજ્ય
નોંધનીય છે કે, 5 જૂન 2026ના રોજ અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી મોટા નેતાઓ અને અધિકારીઓ સાથેના ફોટા બતાવીને લોકોમાં પોતાની પહોંચ હોવાનો દાવો કરતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાના શોખમાં આ દંપતીએ અત્યાર સુધીમાં 15 લોકોને શિકાર બનાવી 20 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોંઘીદાટ રેન્જ રોવર અને મર્સિડીઝ જેવી લક્ઝરી કાર પણ કબજે કરી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
