SHREE HANUMAN CHALISA YUVA KATHA: અમદાવાદના આંગણે નિકોલમાં આવેલાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે ગત 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના કંઠે ભક્તોને શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. જેમાં હરિપ્રકાશ સ્વામીએ કથાના છેલ્લાં એટલે કે, સાતમા દિવસે યુવાઓને ખાસ હાંકલ કરી છે. હરિપ્રકાશ સ્વામીએ દરેક યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત અનુસરવા સૂચન કર્યું છે. આ ઉપરાંત એમ પણ કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી રામ મંદિરના પાયા નાંખનારા મહાપુરુષો છે.
''આપણને આઝાદી પછી સંસદને લોક મંદિર માની પગે લાગનારા પહેલાં PM મળ્યા''
હરિપ્રકાશ સ્વામીએ કથાના સાતમા દિવસે વ્યાસપીઠ પરથી યુવાઓને હાંકલ કરતા કહ્યું કે, '' તમે મોદી સાહેબને તો બધા ઓળખો છોને? આટલી ઉંચાઈએ પહોંચેલું આ વ્યક્તિત્વ નવરાત્રિના નવ દિવસ પાણી સિવાય કંઈ લીધા વગર દેશનું કામ કરનારો આ ફકીર છે. શક્તિની ઉપાસના કરે!, રોજ ધ્યાન કરે! રોજ ભજન કરે!, નિર્વ્યસની જીવન. દેશ આઝાદ થયોને પહેલી વખત એવા વડાપ્રધાન મળ્યા કે, સંસદને લોક મંદિર માનીને પગે લાગનારા વડાપ્રધાન. પોતાની ચૂંટણી પતે અને ભગવાન કેદારનાથની ગુફામાં જઈને ભગવાન શિવની આરાધના કરનારા વડાપ્રધાન.''
''PM નરેન્દ્ર મોદી રામ મંદિરના પાયા નાંખનારા મહાપુરુષો છે''
હરિપ્રકાશ સ્વામીએ વધુમાં કહ્યું કે, ''આજના યુવાનોને હું વિનંતી કરું છું કે, દેશનો રાજા કેવો હોવો જોઈએ? ચાણક્યએ ચંદ્રગુપ્તને કહ્યું હતું કે, ચંદ્રગુપ્ત!, તારું ચરિત્ર અને તારી આધ્યાત્મિકતા જ દેશનું નિર્માણ કરી શકશે. તારા માટે કોઈ પોતાનું અને પારકું નથી. મને ખબર છે ભક્તિમાં જ તાકાત છે. આ સાહેબ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) જે નિર્ણયો કરે છે ને! કોઈપણ દેશમાં જાય પહેલું મંદિર શોધે અને ત્યાં જાય છે. તમને બધાને એવું છે વોટ માટે જાય છે પણ, વોટ માટે નહીં પોતાના રિચાર્જ માટે મંદિરોની યાત્રા કરનારા મહાપુરુષ છે. આજે તમને ખબર નહીં પડે એ નહીં હોય ત્યારે આખી દુનિયા ઇ માણસને યાદ કરશે. PM નરેન્દ્ર મોદી રામ મંદિરના પાયા નાંખનારા મહાપુરુષો છે.''
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
