King Of Salangpur: રાજકોટનું વામિકા ફિલ્મ પ્રોડક્શન શ્રી સારંગપુર હનુમાન દાદા પર એક ભવ્ય ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. અત્યારે આ ફિલ્મનું પ્રી પ્રોડક્શન ચાલી રહ્યું છે.
વામિકા પ્રોડક્શનના ડિરેક્ટર પ્રશાંત દેશાવલ, CEO ધ્રુવ દેશાવલ અને લેખક રેયાંશ ગજ્જરને ઘણાં સમયથી એવો વિચાર હતો કે સારંગપુર હનુમાન દાદા પર એવી ફિલ્મ બને. જેમાં સારંગપુર હનુમાન મંદિરનો મહિમા, તેની સ્થાપનાની કથા તથા હનુમાન દાદાના અદ્દભૂત ચમત્કારોને સુંદર અને ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે.
આ ફિલ્મમાં ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કાર સાથે સાથે એક મજબૂત સંદેશ આપવામાં આવશે કે, સારંગપુર માત્ર એક મંદિર નથી, પરંતુ અખૂટ આસ્થા અને અડગ વિશ્વાસનું પવિત્ર કેન્દ્ર છે. આ ફિલ્મ દ્વારા દર્શકોને હનુમાન દાદા સાથે આત્મિક જોડાણનો અનુભવ થશે.
ખાસ કરીને આજના યુવાનો માટે આ ફિલ્મ સારંગપુરનો મહિમા, હનુમાન દાદાની કૃપા અને ભક્તિની શક્તિને સમજવાની એક ઉત્તમ તક બનશે, જેથી તેમના હૃદયમાં સંસ્કાર અને આસ્થાના બીજ વવાઈ શકે જે આ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ છે.

આ પ્રસંગે આજે સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યું છે. જ્યારે 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિના પવિત્ર દિવસે આ ફિલ્મનું હનુમાન દાદાનું ગીત રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.

