Ahmedabad: શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી નવતાડની પોળમાં આવેલું એક જર્જરિત મકાન ધરાશાયી થતાં 3 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે પૈકી એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે. હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ડ્રેનેજનું કામ ચાલતું હતુ ત્યારે જ મકાન કડડડભૂસ થયું
આ અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવતાડની પોળમાં ડ્રેનેજ લાઈન ખોદવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ દરમિયાન ડ્ર્રીલ કરવામાં આવતા નજીકમાં રહેલું મકાન પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ ગયું હતો. આ ઘટનામાં મકાનમાં રહેતા એક મહિલા ઉપરાંત ડ્રેનેજની કામગીરી કરી રહેલા બે મજૂરો પણ કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. જેમણે કાટમાળ હેઠળ દટાયેલા મહિલા સહિત ત્રણેયને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુષ્પાબેન પંચાલ (50) નામની મહિલાનું મોત નીપજ્યું છે.
આ ઘટનાને પગલે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે નવતાડની પોળમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે, આ પોળમાં આવેલા મકાનો લગભગ 100 વર્ષ જૂના છે. જે પૈકી અનેક મકાનો જર્જરિત થઈ ગયા છે.
આ મામલે મેં મ્યુનિસિપલ કમિશનરને પણ વિનંતી કરી છે કે, કોટ વિસ્તારમાં જે મકાનો જર્જરિત થઈ ગયા છે, તેમના માલિકોને રિપેરિંગ કરવા કે પુનઃ નિર્માણ કરવાની મંજૂરી આપવી જોઈએ.
