Vadodara: શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર આવેલી સહયોગ સોસાયટીમાં રખડતા શ્વાનોના વધી રહેલા આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલે જઈ રહેલા એક માસૂમ બાળક પર એકસાથે ચાર શ્વાનોએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક મહિલા બે બાળકોને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી. આ સમયે પાછળથી દોડતો એક બાળક સ્કૂલના ગેટ પાસે પહોંચતા અચાનક ચાર રખડતા શ્વાનો તેના પર તૂટી પડ્યા હતા.
સૌ પ્રથમ એક શ્વાને બાળકના જમણાં પગ પર બચકું ભરતા તે જમીન પર ઢળી પડ્યો હતો.જે બાદ બીજા ત્રણ શ્વાનો ધસી આવ્યા અને બાળક પર તૂટી પડ્યા હતા. જેવો બાળકે ઉભા થવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ એક શ્વાને ફરીથી હુમલો કરતાં તે પીડાથી કણસતો ઘૂંટણીયે પડી ગયો હતો.
સદ્દનસીબે આજ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે સતર્કતા દાખવીને કાર ઉભી રાખતા ડાઘિયા શ્વાનો બાળકને મૂકીને ભાગ્યા હતા. જે બાદ મહિલા પહોંચી હતી અને બાળકને બચાવ્યો હતો. આ હુમલામાં બાળકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
આ અંગે ઈજાગ્રસ્ત બાળકના પિતા ડો. ગોપાલ ગોંડલિયાએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “મારો દીકરો મારી માતા સાથે સ્કૂલે જતો હતો. આગળ મિત્રો દેખાતા તે દોડી ગયો અને એ જ સમયે શ્વાનો હુમલો કરી બેઠા. હું પોતે તબીબ હોવાથી તેને તરત જ દવાખાને લઈ જઈ સારવાર આપી. વિસ્તારમાં લાંબા સમયથી શ્વાનોનો ત્રાસ છે, છતાં કોર્પોરેશન કોઈ અસરકારક પગલાં લેતું નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નજીકની વૃંદાવન અને સંગીતા સોસાયટીઓમાં પણ શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. સવારે તેઓ વાહનો અને પસાર થતા લોકોને પાછળ દોડે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. રહીશો કહે છે કે કોર્પોરેશનને અનેકવાર જાણ કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો સ્થાયી ઉકેલ આવ્યો નથી. ઘટનાને પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર તાત્કાલિક શ્વાનોને પકડી સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી છે.
