Surat: સુરતના સહારા દરવાજા ઓવરબ્રિજ પર બસની ડીઝલની ટાંકી ફાટી ગઈ હતી. જેના કારણે બ્રિજ પર ડીઝલ ઢોળાતા આખો રસ્તો લપસણો થઈ ગયો હતો. આથી બ્રિજ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અચાનક વારાફરતી સ્લીપ થઈ જતાં અફરાતફરી મચી જવા પામી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા ઓવરબ્રિજ પર પીક અવર્સ દરમિયાન એક બસની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી. જેથી ડીઝલ ઢોળાવાના કારણે આખો રસ્તો અત્યંત લપસણો થઈ ગયો હતો.
જેથી આ રોડ પરથી બસની પાછળ-પાછળ પસાર થતાં 20 જેટલા વાહન ચાલકો સ્લીપ જેટલા વાહન ચાલકો સ્લીપ થયા હતા. જેના કારણે કેટલાક વાહન ચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તો કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.
બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ પાણીનો મારો ચલાવીને રસ્તો યોગ્ય રીતે સાફ કર્યો હતો અને બાદમાં રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.
