Ahmedabad Building Collapse: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા ડભગરવાડના મન્સૂરી મહોલ્લામાં સોમવારે મોડી રાત્રે એક ત્રણ માળનું જૂનું અને જર્જરિત મકાન અચાનક જ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મકાનના કાટમાળ નીચે દટાઈ જવાથી એક 50 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ફાયર વિભાગનું મધરાતે રેસ્ક્યુ ઓપરેશન
મળતી માહિતી મુજબ, મકાન ધરાશાયી થવાની આ ઘટના સોમવારની મધરાતે આશરે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને અન્ય બચાવ ટીમોએ વિલંબ કર્યા વિના તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન થયું મોત
આ બનાવ અંગે માહિતી આપતા ફાયર અધિકારી કેતન એમ. શિકારીએ જણાવ્યું કે, "અમને રાત્રે 12:30 વાગ્યે કોલ મળ્યો હતો. અમારી ટીમે કાટમાળમાંથી આશરે 50 વર્ષીય મહિલાને તેમજ અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. મહિલા બેભાન હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.
જર્જરિત મકાનોને અગાઉ આપી હતી નોટિસ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જે મકાન ધરાશાયી થયું છે તે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ મકાન સહિત તેની આસપાસના અન્ય જોખમી મકાનોને પણ અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. વહીવટી તંત્રએ જૂના અને નબળા મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની તમામ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે.
હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત, સુરક્ષાની દૃષ્ટિએ આસપાસના અન્ય મકાનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. મધરાતે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
