Ahmedabad: શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે ઘાયલ થયા છે. મૃતક યુવકની ઓળખ શ્રવણદાન ઉર્ફે શ્રવણ ચારણ તરીકે થઈ છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની હતો.
આ અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે, ઓઢવ વિસ્તારના અર્બુદાનગરમાં ગઈકાલે રાતના સમયે એક રૂમમાં 3 લોકો સૂઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈએ શ્રવણ ચારણ પર જ્વલનશીલ કેમિકલ ફેંક્યું હતુ. જેના કારણે ગંભીર રીતે દાઝેલા શ્રવણને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેના પરિવારજનો શ્રવણને લઈને રાજસ્થાન સ્થિત તેના વતન લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક પહોંચતા જ શ્રવણનું મોત નિપજ્યું હતુ.
જે બાદ શ્રવણના મૃતદેહને પાછો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ મામલે શ્રવણના સાથે રહેતા સતીદાન ચારણની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવશે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક શ્રવણ અર્બુદાનગરમાં રહીને AC રિપેરિંગનું કામ કરતો હતો. આ બાબતને લઈને જ તેની પડોશમાં રહેનાર ચંદુ રાવલ નામના યુવક પર કેમિકલ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે હાલ ફરાર છે.
