Vadodara: શાકભાજીની આડમાં લઈ જવાતો રૂ. 7 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, 2ની ધરપકડ

ડેસર પોલીસે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધુ. વિદેશી શરાબના ક્વાટરિયા અને બિયરનો જથ્થો જપ્ત કર્યો, જ્યારે બેને વૉન્ટેડ જાહેર કર્યાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Mar 2025 11:13 PM (IST)Updated: Sat, 01 Mar 2025 11:13 PM (IST)
vadodara-new-deasar-police-seized-rs-7-lakh-liquor-held-2
HIGHLIGHTS
  • હોળી-ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા

Vadodara: આગામી દિવસોમાં આવી રહેલા હોળી-ધૂળેટી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસની નજરથી બચાવીને દારૂનો જથ્થો શહેરમાં ઠાલવવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, ત્યારે ડેસર પોલીસે શાકભાજીના આડમાં લઈ જવાતો જંગી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરના મનસુબા પર પાણી ફેરવી દીધુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડેસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, પાંડુથી વાલાવાવ માર્ગ પર એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને નવા શિહોરા જઈ રહ્યો છે. આથી ડેસર પોલીસની ટીમે પાંડુ ખાતેની દરગાહ નજીક વૉચ ગોઠવી હતી. જ્યાં બાતમી પ્રમાણેને ટેમ્પો આવતા તેને કોર્ડન કરીને ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી.

જે બાદ ટેમ્પામાં પાછળ તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકની કોથળીમાં દૂધી ભરેલા બાંચકા પડ્યા હતા. જેને હટાવીને જોતા શાકભાજીના કોથળા નીચે વિદેશી શરાબના ક્વાર્ટરિયા અને બિયરની બોટલો મળી 7,00,800 રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે ડેસર પોલીસે બે મોબાઈલ ફોન, આઈસર ટેમ્પો સહિત કુલ 15.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આઈસર ચાલક સંજય માછી (રહે. નવા શિહોર) અને મિલેશ રાઠવા (રહે. છોટા ઉદેપુર)ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર દિનેશ પરમારે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતુ.

હાલ તો પોલીસે સંજય અને મિલેશ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર દિનેશ પરમાન અને નરેશ રાઠવાને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.