Ahmedabad: શહેરના વાડજ વિસ્તારમાં આવેલા દધિચી બ્રિજ પર આજે હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં એક યુવક આપઘાત કરવાના ઈરાદે બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદી પડ્યો હતો. જેને પગલે બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય યુવક આજે બપોરના સમયે વાડજ સ્થિત દધિચી બ્રિજ પર પહોંચ્યો હતો. સુભાષ બ્રિજ બંધ હોવાથી દધિચી બ્રિજ પર વાહનોની અવરજવર વધારે હતી. એવામાં અચાનક આ યુવક બ્રિજની રેલિંગ પાર કરીને નદીમાં કૂદી પડ્યો હતો.
આ ઘટનાના પગલે બ્રિજ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. નદીમાં કૂદેલા યુવકને બચાવવા માટે બ્રિજની રેલિંગ પર લોકો ચડી ગયા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
આ દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકે પોતાની પાસે રહેલ મજબૂત દોરી નદીમાં નાંખીને યુવકને પકડી રાખવા કહ્યું હતુ. એવામાં ફાયર વિભાગની રેસ્ક્યુ માટે બોટ યુવકની પાસે પહોંચી હતી અને દોરી પકડીને પાણીમાં રહેલા યુવકને બહાર કાઢ્યો હતો.
બીજી તરફ આ બાબતની જાણ થતાં સાબરમતી રિવરફ્રન્ટ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ પૂછપરછમાં યુવક જિંદગીથી હતાશ થઈને અંતિમ પગલું ભરવા નદીમાં કૂદ્યો હોવાનું સામે આવ્યું છે.
