Ahmedabad News: અમદાવાદ શહેરમાં રસ્તાઓ પહોળા કરાયા છે અને જ્યાં જ્યાં ટ્રાફિક વધુ થાય છે તેવા વિસ્તારોમાં બ્રીજ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સતત વધી રહેલી આ સમસ્યાને પહોંચી વળવા માટે અમદાવાદ પોલીસ દ્વારા AI ટેકનોલોજી( આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરી રહી છે. આ માટે બેંગાલુરુની ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ માટે ડીસીપી ટ્રાફિક સફીન હસનને જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ઘણા એક્શન પ્લાન બનાવ્યા હતા. પરંતુ જોઇએ તે રીતે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાયું નથી. જેથી પોલીસ દ્વારા હવે એઆઇ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે ખાસ સોફ્ટવેરની મદદથી ટ્રાફિક જંકશનની સ્થિતિને ધ્યાનમાં લઇને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે ટ્રાફિકના ડેટાને સમય આધારે નોંધીને કામગીરી કરશે.
અમદાવાદ શહેરમાં કેટલાક જંકશન પર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તદઉપરાંત બેંગાલુરુમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ખાસ એક્શન પ્લાન પણ અમલી બનાવાયો હતો. આ એક્શન પ્લાનનો અભ્યાસ કરવામાં આવશે અને જેના અભ્યાસ માટેની જવાબદારી ડીસીપી સફીન હસનને સોંપવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.