Ahmedabad: માંડલમાં ધુળેટીનો પર્વ માતમમાં ફેરવાયો, ઝોલાસર તળાવમાં ન્હાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત

9 વર્ષની આસપાસના ત્રણેય બાળકો ગામમાં ધુળેટી રમ્યા બાદ રંગ ઉતારવા માટે ઝોલાસર ગામના તળાવમાં પડતાં એક પછી એક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 06:55 PM (IST)Updated: Wed, 04 Mar 2026 07:04 PM (IST)
ahmedabad-news-three-children-drown-in-zholasar-lake-during-dhuleti-celebration
HIGHLIGHTS
  • ધુળેટીએ 3 પરિવારના કુળદિપક બુઝાતા સીતાપુર ગામમાં ગમગીની

Ahmedabad: આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કેટલાક પરિવારો માટે આ ઉત્સાહનો પર્વ માતમમાં ફેરવાઈ રહ્યો છે. જેમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ડૂબી જવાથી મોત નીપજવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક બનાવ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાંથી સામે આવ્યો છે.

ધુળેટી રમ્યા બાદ ચહેરા પરથી રંગ ઉતારવા તળાવમાં પડતા ગરકાવ

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં રહેતા પાર્થ રાઠોડ, કૌશિક રાઠોડ અને સૌરભ રાઠોડ નામના ત્રણેય બાળકોએ ધામધૂમથી ધુળેટી ઉજવી હતી. જે બાદ ચહેરા પરથી રંગો ઉતારવા માટે ત્રણેય બાળકો ગામમાં આવેલા ઝોલાસર તળાવમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક પછી એક ત્રણેય બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બાબતની જાણ થતાં ગ્રામજનો અને અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકોને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે તળાવમાં ડૂબી જવાથી ત્રણેય બાળકો મોતને ભેટી ચૂક્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે.

ગુજરાતમાં 5 વર્ષમાં 9 હજારથી વધુ લોકોના ડૂબી જવાથી મૃત્યુ
ગુજરાતમાં ગણેશોત્સવ, જન્માષ્ટમી, દશામાના વ્રત તેમજ ધુળેટી જેવા તહેવારો દરમિયાન નદી-તળાવોમાં ડૂબી જવાથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના અહેવાલ અનુસાર, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ડૂબી જવાથી 9115થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા અગાઉ 2019થી 2022 સુધીના જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં ડૂબી જવાથી 6081ના મોત નીપજ્યા છે. જે પૈકી 3034 લોકોના મોત બોટ ઊંધી પડવાથી કે અન્ય કારણોસર ડૂબીને મોતને ભેટ્યા છે.