Ahmedabad: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત ચતુર્થ સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે માતા-પિતાને તરછોડનારા સંતાનો સામે સખ્ત સામાજિક વલણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંયુક્ત કુટુંબને બચાવવાની જવાબદારી પણ સમાજની
આ તકે હર્ષ સંઘવીએ સમાજના આગેવાનોને વિનંતી કરતા જણાવ્યું કે, પોતાના સંતાનના સપના સાકાર થાય, તે માટે તેમના માતા-પિતા ચંપલ ઘસી નાંખતા હોય છે. જ્યારે સંતાન સફળ થાય, ત્યારે તેઓ માતા-પિતાને સાથે રાખતા શરમાય છે. માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે.
આવા કિસ્સા ભલે સમાજમાં નથી સાંભળ્યા, પરંતુ જો તમારા ધ્યાનમાં આવા કોઈ કિસ્સા સામે આવે તો મારી તમને એક જ વિનંતી છે. આવા દીકરા-દીકરી ગમે તેટલા ધનવાન કેમ ના થઈ ગયા હોય, પરંતુ તેમનો એક પણ રૂપિયા આપણે સમાજના ટ્રસ્ટમાં ના લેવો જોઈએ. આવા દીકરા-દીકરીઓને સમાજના કોઈ સ્ટેજ ઉપર સ્થાન પણ ના આપવું જોઈએ.
જે પોતાના મા-બાપનો ના થયો, તે બીજા કોઈને ક્યારેય નહીં થાય
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દીકરી રૂપિયા કમાઈને મોટો માણસ ભલે થઈ ગયો હોય, પરંતુ જે પોતાના મા-બાપને ના રાખતો હોય, તો તે બીજા કોઈનો ક્યારેય ના થઈ શકે. આવા દીકરા-દીકરીઓને પોતાના ઘરના પ્રસંગોમાં બોલાવવામાં પણ પ્રતિબંધ લાવવો જોઈએ. ભલે સમાજમાં આવા બનાવો ના બનતા હોય, પરંતુ ભવિષ્યમાં આવું ના થાય તે માટે સંયુક્ત કુટુંબને બચાવવાની જવાબદારી સમાજના ટ્રસ્ટીઓની છે.
