Ahmedabad: DEOની નોટિસ બાદ સ્કૂલ સંચાલકોની કાર્યવાહી, ખાનગી ટ્યુશન કરતાં 7 શાળાના 11 શિક્ષકોને છૂટા કર્યાં

ટ્યૂશન ક્લાસ એસોસિએશન દ્વારા DEOને ફરિયાદ મળતા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ કેટલીક શાળાને જાણ કરીને નોટિસ અપાઈ હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 14 Jul 2025 08:36 PM (IST)Updated: Mon, 14 Jul 2025 08:36 PM (IST)
ahmedabad-news-school-managmant-action-against-11-teachers-after-deo-notice
HIGHLIGHTS
  • શિક્ષકો પોતાના ટ્યુશનમાં આવવા વિદ્યાર્થીઓને દબાણ કરતાં હતા
  • DEOની કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે

Ahmedabad: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને કેટલીક સ્કૂલોના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે જે-તે સ્કૂલને જાણ કરીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આખરે આજે આવી 7 જેટલી સ્કૂલના સંચાલકો દ્વારા આવા 11 જેટલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.

હકીકતમાં થોડા દિવસ અગાઉ ટ્યૂશન ક્લાસ એસોસિએશન દ્વારા DEOમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરની કેટલીક શાળાના શિક્ષકો પોતાના ટ્યુશન ક્લાસિસમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ પર દબાણ કરી રહ્યા છે. પોતાની ફરિયાદમાં એસોસિએશન દ્વારા સ્કૂલના તેમજ શિક્ષકોના નામ પણ દર્શાવ્યા હતા.

જેના આધારે અમદાવાદ ગ્રામ્ય DEO કચેરી દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કેટલીક સ્કૂલોને તેમના શિક્ષકો ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની જાણ કરીને નોટિસ ફટકારવામાં આવી હતી.

આખરે અમદાવાદની અલગ-અલગ 5 સ્કૂલના સંચાલકો દ્વારા તેમના 11 જેટલા શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેમાં કે.આર. રાવલ સ્કૂલ, સુપર ઈંગ્લિશ સ્કૂલ, સ્વામિનારાયણ સ્કૂલ, તિરુપતિ સ્કૂલ, અંબિકા સ્કૂલ અને એસ.એસ. ડિવાઈન જેવી સ્કૂલના સંચાલકો દ્વારા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે.