Surat: શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં માતાએ દૂધ પીવડાવ્યા બાદ સૂવડાવેલી બે મહિનાની બાળકી મોતને ભેટી છે. સવારે દીકરી હલન-ચલન ના કરતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરતાં માતા-પિતાના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.
મૂળ બિહારના વતની સંજીત પાસવાર પત્ની અને બે માસની દીકરી શિવાંશી સાથે સચિન હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ નજીક રહે છે અને લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે. ગઈકાલે રાતે તેમની 2 મહિનાની દીકરી શિવાંશીને માતાએ દૂધ પીવડાવીને સૂવડાવી હતી. જો કે સવારે દીકરી હલનચલન ના કરતાં પરિવાર તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ લઈને દોડ્યો હતો.
આ અંગે બાળકીના પિતા સંજીતકુમારે જણાવ્યું કે, એક મહિના 20 દિવસની મારી દીકરીને ગઈકાલે રાતે દૂધ પીવડાવ્યું હતુ. જો કે સવારે દીકરી ઉઠતી ના હોવાથી તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નાકમાં દૂધ જતું રહ્યું હોવાથી મોત થયું હોવાનું જણાવ્યું છે.
