Gandhinagar: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો હતો. જો ગોપાલ ઈટાલિયા ચૂંટણીમાં જીતી જશે, તો હું તેમને 2 કરોડ રૂપિયા આપીશ તેવો પડકાર ફેક્યો હતો. જે બાદ આજે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો અને કારોના જંગી કાફલા સાથે રાજીનામું આપવા ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીએ કાંતિ અમૃતિયાના શક્તિપ્રદર્શનને નૌટંકી ગણાવ્યું હતુ. આ સાથે જ તેમણે કાંતિ અમૃતિયાની કારમાં PUC ના હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
હકીકતમાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકવામાં આવી છે. જેમાં કાંતિ અમૃતિયાની MLA Gujarat લખેલી કારની તસવીર મૂકવામાં આવી છે. આ સાથે જ RTO દ્વારા વાહનની વિગતો સહિતની રિસિપ્ટ મૂકી છે. જેમાં કાંતિ અમૃતિયાની કારનું PUCના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સાથે જ કેપ્શનમાં કાંતિ અમૃતિયાનો કાના કાકા તરીકે ઉલ્લેખ કરીને લખ્યું છે કે, અત્યારે 2 કરોડ રૂપિયા વાળું રહેવા દો. પહેલા 200 રૂપિયા આપીને સનાળા રોડ ઉપર ક્યાંકથી PUC કઢાવી લ્યો. વધુમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, ભાજપના ધારાસભ્યની કારના બે ઈ-ચલણ પર ભરવાના બાકી છે, તો શું પોલીસ તેમને પકડશે?
