Ahmedabad: દેવાયત ખવડના જામીન રદ્દ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો 30 દિવસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાનો આદેશ

દેવાયત ખવડ જામીનની શરતોનો ભંગ કરીને સાક્ષીઓને ડરાવી-ધમકાવી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા કોર્ટનો હુકમ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Nov 2025 10:15 PM (IST)Updated: Tue, 11 Nov 2025 10:15 PM (IST)
ahmedabad-news-rural-court-reject-devayat-khavad-bail-order-to-surender-in-30-days
HIGHLIGHTS
  • દેવાયત ખવડે તાલાલામાં ધ્રુવરાજસિંહ પર ખૂની હુમલો કર્યો હતો
  • અગાઉ વેરાવળ કોર્ટે દેવાયત ખવડને જામીન આપ્યા હતા

Ahmedabad: સતત વિવાદોમાં રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની (Devayat Khavad) મુશ્કેલી ફરીથી વધવા જઈ રહી છે. હકીકતમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ્દ કરીને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવાનો હુકમ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભગવતસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ મથકમાં દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી પોતાની ધરપકડ ટાળવા માટે દેવાયત ખવડે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતોને આધિન દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા હતા.

જો કે જામીન પર છૂટેલા દેવાયત ખવડે ગત ઓગસ્ટ મહિનામાં તાલાલામાં જૂની અદાવતમાં સનાથલ ગામના ધ્રુવરાજસિંહ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા દેવાયત ખવડને પોલીસે સુરેન્દ્રનગરના દૂધઈ નજીક આવેલા ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. જો કે ધરપકડના સાત જ દિવસમાં વેરાવળ કોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કર્યાં હતા.

આથી ફરિયાદી તરફે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ જામીનની શરતોનો ભંગ કરીને સાક્ષીઓને ધમકાવી રહ્યા છે. આથી તેમના જામીન રદ્દ કરવામાં આવે. આ અરજી પર સુનાવણી હાથ ધરીને ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ્દ કરવા સાથે તેમને આગામી 30 દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.