Rickshaw Fare Hike: મિડલ-ઈસ્ટમાં તણાવ વચ્ચે CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે હવે ગુજરાતના રિક્ષા ચાલકોએ આજે ભાડા વધારવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે મિનીમમ ભાડું 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે કિલોમીટર દીઠ મુસાફરોને 20 રૂપિયા ચૂકવવા પડશે. રિક્ષા યુનિયનોએ અચાનક ભાડામાં વધારો કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતુ અને આજે વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા હતા.
આ અંગે ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું કે, આજથી અમારી જાતે જ અમે રિક્ષાના ભાડા વધારી દીધા હતા. જેની જાણ થતાં આજે જૂના સચિવાલયમાં મળવા બોલાવવામાં આવ્યા હતા. જ્યાં વાહન વ્યવહાર વિભાગના કમિશનર સાથે બેઠક થઈ હતી.
અમે છેલ્લા દોઢ-બે મહિનાથી મિનીમમ ભાડું 30 રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છીએ. જો કે તે પછી CNGનો કિલોદીઠ ભાવ 6 થી 8 રૂપિયા વધી ચૂક્યો છે. આવનારા દિવસોમાં પણ CNGના ભાવ વધવાની શક્યતા રહેલી છે. આથી અમને જૂનો ભાવ પોષાય તેમ જ નથી. આથી અમારી માંગ છે કે, મિનિમમ ભાડુ 50 રૂપિયા કરવામાં આવે. આ ઉપરાંત કિલોમીટર દીઠ 15 રૂપિયાની જગ્યાએ 20 કરવામાં આવ્યા હતા, તેને યથાવત રાખવામાં આવે.
4 વર્ષથી રિક્ષાના ભાડામાં એક રુપિયાનો વધારો નથી કરાયો
જ્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં વારંવાર વધારો થઈ રહ્યો હોવાથી રિક્ષા ડ્રાઈવરો હેરાન થઈ રહ્યા છે. વીતેલા 4 વર્ષથી રિક્ષાના ભાડામાં એક પણ રુપિયાનો વધારો નથી કરવામાં આવ્યો. બીજી તરફ પેટ્રોલ-ડીઝલ, દૂધ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે.
અમે દોઢ મહિનાથી વાહન વ્યવહાર કમિશનર, વાહન વ્યહાર મંત્રીને આવેદનપત્ર આપીને ભાડા વધારવા અંગે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો. સરકારી કર્મચારીઓને તો મોંઘવારી પ્રમાણે ભથ્થામાં વધારો થતો હોય છે. આથી રિક્ષા ચાલકો સ્વૈચ્છિક રીતે વધારે ભાડું લઈ શકે તેવી અમે જાહેરાત કરી છે.
જો કે હવે અમારી જૂની માંગણી પણ વધી ગઈ છે, કારણ કે રજૂઆત કર્યાં બાદ બે વખત CNGના ભાવ વધી ગયા છે. હવે મિનિમમ 30 રૂપિયા ભાડુ અમને પોષાય તેમ નથી. આથી મિનિમમ ભાડુ 50 રૂપિયા કરવામાં આવે અને કિલોમીટર દીઠ 20 રૂપિયા કરવામાં આવે. જો અમારી માંગણી નહીં સંતોષવામાં આવે, તો આગામી સમયમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી શકે છે.
