Vadodara: શહેરમાં અપહરણ અને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારવાના ચકચારી કેસના મુખ્ય આરોપી પ્રતિકનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. વડોદરાના સનફાર્મા રોડ નજીક રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઈ શાંતિલાલ નામના 20 વર્ષીય યુવકે ગેરકાયદે વ્યાજખોરી, માનસિક હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે પ્રતીક સિંગ અને વિકાસ રાજપુત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
માતાની સારવાર માટે લીધી હતી રકમ
ફરિયાદી મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર, તેમની માતાની તબિયત ખરાબ હોવાથી સારવારના ખર્ચ માટે પૈસાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન તેઓ 'શિવમ મોબાઈલ' દુકાન ધરાવતા વિકાસ સુરેન્દ્રસિંહ રાજપુતના સંપર્કમાં આવ્યા હતા.
વિકાસે પ્રતીક અવરેન્દ્રસિંગ નામના શખ્સ મારફતે ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા 2.90 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ પેટે દર મહિને 10 ટકા લેખે રૂપિયા 29,000 વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને સુરક્ષા ગેરંટી તરીકે બે કોરા ચેક પણ લખાવી લેવામાં આવ્યા હતા.
રૂપિયા 2.5 લાખથી વધુ ચૂકવ્યા છતાં ધમકીઓ
યુવકે સાતથી આઠ મહિના સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યું હતું અને ઓનલાઈન માધ્યમથી કુલ રૂપિયા 2.09 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત, વિકાસ રાજપુતને રૂપિયા 43,000 રોકડા પેનલ્ટી તરીકે પણ ચૂકવ્યા હતા. આમ છતાં વ્યાજની રકમ સમયસર ન ચૂકવાતા પ્રતીકસિંહે ફોન પર બિભત્સ ગાળો આપી, "ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરીશ, હાથ-પગ તોડી નાખીશ અને તારા શરીર પર લાખોનો ખર્ચ કરાવી દઈશ" તેવી ગંભીર ધમકીઓ આપી હતી.
નગ્ન વીડિયો બતાવી ડરાવ્યો
વિકાસ રાજપુતે ફરિયાદીને ડરાવતા કહ્યું હતું કે, પ્રતીક અગાઉ મર્ડર કરી ચૂક્યો છે અને તારું પણ મર્ડર કરાવી દેશે." એટલું જ નહીં, પ્રતીકસિંહ ફરિયાદીના ઘરે જઈને તેમની માતાને પણ ધમકાવી આવ્યો હતો. જે બાદ જ્યુપીટર હોસ્પિટલ પાસે પ્રતીકે યુવકને પોતાના મોબાઈલમાં એક અન્ય વ્યક્તિને નિર્વસ્ત્ર કરી માર મારતો વીડિયો બતાવ્યો હતો અને ધમકી આપી હતી કે "જો રૂપિયા નહીં ચૂકવે તો તારી પણ આવી જ હાલત કરીશ."
આખરે, પ્રતીકસિંહ વિરુદ્ધ અન્ય ગુનાઓ બહાર આવતા હિંમત ભેગી કરીને મહેન્દ્રભાઈએ પોલીસનો આશરો લીધો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
