Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ ખાતે માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવતાં જણાવ્યું કે, 20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે.
આ AI રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. આશરે રૂ. 22,516 કરોડના આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના 'સેમિકન્ડક્ટર હબ' તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે.
વડાપ્રધાને સાણંદથી સેમિકંડક્ટર ક્ષેત્રે થયેલા ભારતના ભાવિ ઉદયનો રોડમેપ દર્શાવતાં કહ્યું કે, સૉફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. આ પ્રસંગે PM મોદીએ સમગ્ર વિશ્વને વિશ્વાસ અપાવતાં કહ્યું કે, ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ ઍન્ડ ઇન્ડિયા ડિલિવર્સ.
આ સાથે જ વડાપ્રધાને માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતાં પ્રદર્શનને નિહાળ્યું હતું તથા પ્લાન્ટની મુલાકાત લઈને સેમિકન્ડક્ટર ચિપના એસેમ્બલી અને પેકેજિંગના વિવિધ ઑપરેશન્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન ફેસિલિટી દ્વારા આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ GIDC ખાતે યોજેલા રોડ શૉ અંતર્ગત ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ડેલ ટેક્નોલોજીના પ્રથમ કોમર્શિયલ મેડ ઇન ઈન્ડિયા શિપમેન્ટને વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં હેન્ડઓવર કરવામાં આવ્યું હતું.
PM મોદીએ જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી અને સફળ AI સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. 10-11 વર્ષ પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સર્વિસીસ પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે.
વડાપ્રધાનએ પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા નોંધ્યું કે, જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના તેજ વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.
વડાપ્રધાને સેમિકન્ડક્ટરને ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન અને AI રિવોલ્યુશનને જોડતો સૌથી મોટો સેતુ ગણાવતા જણાવ્યું કે, ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે, અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0' ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.
ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતની માંગ સતત વધી રહી છે, તેથી 'મેક ઇન ઇન્ડિયા' હવે ફુલ સ્વિંગમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા 11 વર્ષોમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન અને તેની નિકાસમાં અનેકગણો વધારો થયો છે. ભારત હવે કોમ્પોનન્ટથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધી બધું જ દેશમાં બનાવવા માટે સજ્જ છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ઘરેલું બજાર અને વૈશ્વિક તકો બંને પૂરી પાડે છે.
સાણંદ સાથેના અંગત સંસ્મરણો વાગોળતા વડાપ્રધાને જણાવ્યું કે, સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે એક સમયે તેઓ અહીં સાયકલ પર ફરતા હતા અને એક રૂપિયાના SMS (SMS) થી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે. વડાપ્રધાને અહીં કામ કરવા આવતા દેશ-વિદેશના ટેકનિશિયનોને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર તેમને શ્રેષ્ઠ જીવનશૈલી અને સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કમી રાખશે નહીં.
પર્યાવરણ અને ટેકનોલોજીના સમન્વય વિશે વાત કરતા તેમણે માઇક્રોનના પ્લાન્ટની પ્રશંસા કરતા જણાવ્યું કે, અહીં બનાવવામાં આવેલો 'ક્લીન રૂમ સ્પેસ' વિશ્વના સૌથી મોટા સ્પેસમાંનો એક છે. સાથે જ પ્લાન્ટમાં પાણીના ઓછામાં ઓછા વપરાશ અને રિસાયક્લિંગ માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પ્રગતિ અને પ્રકૃતિના તાલમેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ નીતિઓની પણ સરાહના કરી હતી, જેના કારણે રોકાણકારોનો ભરોસો મજબૂત થયો છે.
ગુજરાત વર્ષ 2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટના લોકાર્પણને સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમ ક્ષેત્રે પાયાની ઈંટ ગણાવતા જણાવ્યું કે, PM મોદીના વિઝનરી નેતૃત્વમાં આજે ગુજરાત ગ્લોબલ મેપ પર ગ્રોથ એન્જિન તરીકે ચમક્યું છે. સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ફેસિલિટી પ્લાન્ટના મુખ્ય કેન્દ્રો બનીને ઊભર્યા છે.
વડાપ્રધાનના અથાગ પરિશ્રમ અને રાજ્યની ઉદ્યમિતાને કારણે જ લાર્જ સ્કેલ અને જેટ સ્પીડથી ઇન્ડસ્ટ્રિયલ ટ્રાન્સફોર્મેશન શક્ય બન્યું છે. આ વિકાસ યાત્રા માત્ર નવા ઉદ્યોગોની શરૂઆત નથી, પરંતુ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિશ્વના દેશો માટે વિશ્વાસુ મિત્ર તરીકે 'નવા ભારત'ની ઓળખ પણ છે.
મુખ્યમંત્રીએ પ્રોજેક્ટની અભૂતપૂર્વ ગતિ અને કાર્યક્ષમતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જૂન 2023માં વડાપ્રધાનની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા 15 જૂન 2023ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના માત્ર 24 કલાકમાં જ ગુજરાત સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. આવી ઝડપ માત્ર ગુજરાતમાં જ શક્ય છે, કારણ કે અમે વડાપ્રધાને સ્થાપિત કરેલા બેન્ચમાર્ક અને 'આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત'ના મંત્ર સાથે કામ કરીએ છીએ.
સેમિકન્ડક્ટર ચિપ્સ આજે ડિજિટલ યુગની કરોડરજ્જુ છે. મોબાઈલ, ઓટોમોબાઈલ, ડિફેન્સ, સ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા દરેક ક્ષેત્રમાં તેની જરૂરિયાત છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલા સેમિકન્ડક્ટર મિશન, PLI યોજના અને 'મેક ઇન ઇન્ડિયા' જેવી પહેલો થકી ભારત વિશ્વમાં એક મોટા ખેલાડી તરીકે ઊભરી રહ્યું છે.
ગુજરાત વર્ષ-2022માં સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય હતું એમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા જેવા પરંપરાગત ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યા બાદ હવે ગુજરાત એઆઈ (AI) અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ 'ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર' બનવા જઈ રહ્યું છે.
માઇક્રોનનો આ પ્લાન્ટ માત્ર ઔદ્યોગિક પરિયોજના નથી, પણ યુવાનોના સપનાઓનું ઇન્વેસ્ટમેન્ટ છે. 'મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ' ના મંત્ર સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ), DRAM અને NAND જેવા આધુનિક સ્ટોરેજ અને મેમરી ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉત્પાદનો ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યંત મહત્ત્વના સાબિત થશે, કારણ કે મજબૂત મેમરી સપોર્ટ વિના AI પ્રણાલીઓ કાર્યક્ષમ રીતે કામ કરી શકતી નથી.
માઇક્રોનનો આ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા અને અત્યંત સ્વચ્છ 'ક્લીનરૂમ' ધરાવતા એકમોમાં સ્થાન પામ્યો છે, જ્યાં ઓપરેશન થિયેટર કરતાં પણ વધુ શુદ્ધ વાતાવરણમાં ચિપનું પેકેજિંગ કરવામાં આવે છે.
રોજગારીના ક્ષેત્રે પણ આ પ્લાન્ટ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. હાલમાં અહીં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં વધીને 5000થી વધુ પ્રત્યક્ષ રોજગારી સુધી પહોંચશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, આ પ્લાન્ટમાં દિવ્યાંગ નાગરિકોને પણ ઓપરેટર અને ટેકનિશિયન તરીકે રોજગારીની સમાન તકો પૂરી પાડવામાં આવી છે.
