Ahmedabad: નારણપુરામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનો આપઘાત, તબીબે સબંધ બાંધ્યા બાદ સગાઈ તોડી નાંખતા ક્લીનિકમાં ફાંસો ખાધો

સગાઈ તોડી નાંખવાની ધમકી આપી તબીબ મંગેતરે મરજી વિરુદ્ધ વારંવાર સબંધ બાંધ્યા બાદ તરછોડી દેતા મૃતક ડિપ્રેશનમાં સરી પડી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Feb 2025 08:15 PM (IST)Updated: Tue, 11 Feb 2025 08:16 PM (IST)
ahmedabad-news-physiotherapist-commit-suicide-in-clinic
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • સ્યુસાઈડ નોટના આધારે આરોપી તબીબની અટકાયત

Ahmedabad: શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લીનિકમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પૂર્વ મંગેતરે શરીર સબંધ બાંધીને તરછોડી દેતા અંતિમ પગલું ભર્યું હોવાનું માલૂમ પડ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નારણપુરા AEC બ્રિજ નજીક આવેલ ક્લીનિકમાં 22 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ હતુ. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આજથી એક વર્ષ અગાઉ મૃતક યુવતીની સગાઈ નાના ચિલોડા ખાતે રહેતા અને વ્યવસાયે તબીબ સાથે થઈ હતી. જે બાદ સગાઈ તોડી નાંખવાની ધમકી આપીને તબીબ અવારનવાર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસબંધ બાંધતો હતો.

છેલ્લા દસેક દિવસથી તબીબે મૃતક યુવતીના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તેણે પરિવારજનોને વાત કરી હતી. આથી ફિઝિયોથેરાપિસ્ટ યુવતીના માતા-પિતાએ તબીબ યુવકના માતા-પિતા સાથે મળીને વાત કરતાં તેમણે સગાઈ તોડી નાંખી હતી. જે બાદ મૃતક યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હતી.

આખરે આજે સવારે યુવતીનો સંપર્ક ના થતાં તેના માતા-પિતાએ અન્ય સ્ટાફની મદદથી ક્લીનિક પર તપાસ કરાવતા તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. મૃતક યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં પોલીસને બળાત્કારના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ તો પોલીસે આરોપી તબીબની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.