જામનગરમાં 'પતિ-પત્ની ઔર વો'નો ચોંકાવનારો કિસ્સોઃ પત્ની અને બે પુત્રોએ મૈત્રી કરારથી પારકી સ્ત્રી સાથે રહેતા પતિને જાહેરમાં ફટકાર્યો

'મારા પતિને છોડી દે, તેને મારી સાથે રહેવા મોકલી દે..!'- કહીં પત્નીએ પોતાની સોતનને ફટકારી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Feb 2025 07:29 PM (IST)Updated: Tue, 11 Feb 2025 07:29 PM (IST)
jamnagar-news-wife-beat-husband-with-her-2-son-video-goes-viral
HIGHLIGHTS
  • પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

Jamnagar: જામનગર શહેરમાં 'પતિ-પત્ની ઔર વો'નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ બે સંતાનો સાથે મળીને પારકી સ્ત્રી સાથે મૈત્રી કરારથી રહેતા પતિને જાહેરમાં ફટકાર્યો હતો. આ મામલે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના દરેડ વિસ્તારમાં રહેતી ગીતા (40) નામની પરિણીતાએ પોતાના બે પુત્રો સાથે મળીને પતિ અશોકને ફટકાર્યો હોવાનો બનાવ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો.

આ કેસની પ્રાથમિક તપાસમાં અશોકે પોતાની પત્ની અને બે સંતાનો અજય અને સુનિલને તરછોડી દીધા હતા. જે બાદ છેલ્લા 3 મહિનાથી અશોક રસીલા નામની મહિલા સાથે મૈત્રી કરારથી રહેતો હતો.

આ બાબતે તકરાર થતાં ગીતાએ પોતાના બે પુત્રો સાથે મળીને પતિ અશોકને ફટકાર્યો હતો. શહેરના રણજીતસાગર રોડ પર આવેલ કિર્તી પાન પાર્લર પાસે બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ મામલે પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે રસીલાએ પણ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારવા બદલ ગીતા અને તેના બે સંતાનો વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે બન્ને પક્ષની સામ-સામી ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.