Gandhinagar: ગાંધીનગરના ભાટ વિસ્તારમાં આવેલી મધર ડેરી નજીક ભેદી સંજોગોમાં એક યુવકના આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં 22 વર્ષીય મજૂર યુવકની નિર્માણધીન બિલ્ડિંગના 12 માળેથી લટકતી હાલતમાં લાશ મળી આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની વિજયપાલ ઉર્ફે મનિષ ડામોર (22) નામના યુવકની ભાટ વિસ્તારમાં નિર્માણધીન 'સ્કાય વ્યૂ' બિલ્ડિંગના 12માં માળે દોરડા વડે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
વહેલી સવારે મૃતક મનિષની ભાભીએ બાલ્કનીના RCC બીમમાં દોરડા વડે લટકતી હાલતમાં લાશ જોઈને હતપ્રભ બની ગઈ હતી. જે બાદ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ મથક અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ફાયર બ્રિગેડની ટીમે મનિષની લાશને નીચે ઉતારી હતી. જે બાદ પોલીસ દ્વારા પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને પરિવારજનોની પૂછપરછ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક મનિષ પોતાના બે ભાઈઓ અને બે બહેનો સાથે અહીં મજૂરી કામ કરતો હતો. જો કે હજુ સુધી મનિષે ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
