Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ મુક્તિને 10 વર્ષ જૂના કેસમાં કોર્ટે 6 મહિનાની કેદની સજા ફટકારવા સાથે રૂ. 1 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 2014ના જાન્યુઆરી મહિનામાં શહેરના L & T સર્કલ નજીક VMCની દબાણ શાખાની ટીમ ફૂટપાથ પર રહેલા ગેરકાયદે દબાણો દૂર કરી રહી હતી. આ દરમિયાન ભાજપના સ્થાનિક કોર્પોરેટર યોગેશ પટેલ મુક્તિ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જેમણે વોર્ટ ઑફિસર તરીકે ફરજ બજાવતા જગમાલ નંદાણિયા સાથે ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, તેમણે દબાણ કરેલા લારી-ગલ્લાને પણ વાહનોમાં ઉતરાવી દીધો હતો. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા પૂર્વ ડેપ્યુટી મેયરે વૉર્ડ ઑફિસરને લાફો માર્યો હતો.
આ મામલે જે-તે સમયે જગમાલ નંદાણીયાએ કારેલીબાગ પોલીસ મથકમાં યોગેશ પટેલ મુક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં મેજિસ્ટ્રેટ દ્વારા ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષની દલિલોને ગ્રાહ્ય રાખીને પૂર્વ ડેપ્યુટી મેયરને 6 માસની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે.
