Bhavnagar: OAJ ઈન્સ્ટીટ્યૂટમાં વિદ્યાર્થી પર હુમલો, સાથે ભણતી વિદ્યાર્થિનીના પિતા શિક્ષકની હાજરીમાં છરી લઈ તૂટી પડ્યા, ઘટના CCTVમાં કેદ

વિદ્યાર્થી પોતાની દીકરી સાથે વાત કરતો હોવાની જાણ થતાં પિતાએ મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન આડેધડ છરીના ઘા ઝીંકી દેતા વિદ્યાર્થીની પીળી ટી-શર્ટ લોહીથી ખરડાઈને લાલ થઈ ગઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Feb 2025 05:44 PM (IST)Updated: Tue, 11 Feb 2025 05:44 PM (IST)
bhavnagar-news-man-attack-on-oaj-institute-student-in-waiting-room
HIGHLIGHTS
  • ગંભીર ઘાયલ વિદ્યાર્થીને ICUમાં ખસેડાયો

Bhavnagar: શહેરની પ્રતિષ્ઠિત OAJ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થિનીના પિતા દ્વારા ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર વેઈટિંગ રૂમમાં ખૂની હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહુવાનો વતની હરીશ (બદલેલું નામ) ભાવનગરમાં રહીને ઑઝ ઈન્સ્ટીટ્યૂટમાં RENETની તૈયારી કરી રહ્યો છે. હરીશ પોતાની સાથે અભ્યાસ કરતી ગીતિકા (બદલેલું નામ) સાથે ફોન પર વાતચીત કરતો હતો. આ બાબતની જાણ ગીતિકાના પિતાને થતાં તેમણે હરીશના વાલીને ઈન્સ્ટીટ્યૂટમાં મળવા બોલાવ્યા હતા.

જેથી ગીતિકાના પિતા પોતાની પુત્રીને લઈને ઈન્સ્ટીટ્યૂટમાં પહોંચ્યા હતા અને વેઈટિંગ રૂમમાં શિક્ષકની હાજરીમાં હરીશની પૂછપરછ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગીતિકાના પિતાએ પોતાના પેન્ટના ખિસ્સામાંથી ધારદાર છરો કાઢીને હરીશ પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.

CCTVમાં જોઈ શકાય છે કે, સોફા પર એક પુરુષ અને એક વિદ્યાર્થી બેઠેલા છે. જ્યારે બાજુમાં ખુરશી પર એક વિદ્યાર્થિની પણ જોઈ શકાય છે. જ્યારે સામેની બાજુ ડેસ્ક પર શિક્ષક બેઠા છે. આ દરમિયાન શિક્ષક બન્ને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સોફા પર બેઠેલો પુરુષ પોતાની પાસે રહેલી છરી લઈને બાજુમાં બેઠેલા વિદ્યાર્થી પર તૂટી પડી છે. આ જોઈને શિક્ષક પણ પોતાની જગ્યા પરથી ઉભા થઈને યુવકને બચાવવા દોડે છે. આ દરમિયાન બહારથી પણ બીજા શિક્ષકો આવી જાય છે અને હુમલાખોર પુરુષને વેઈટિંગ રૂમની બહાર પકડીને લઈ જાય છે. આ સમયે વિદ્યાર્થી લોહીથી લથપથ હાલતમાં ત્યાંજ પડ્યો રહે છે અને તેની પીળી ટી-શર્ટ પણ લોહીથી લાલ થઈ જતી જોઈ શકાય છે.

આ બનાવના પગલે ઈન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો છે, જ્યારે વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. જ્યારે ગંભીર ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. OJAS ઈન્સ્ટીટ્યૂટમાં કડક સુરક્ષ વ્યવસ્થાનો દાવો કરવામાં આવે છે, ત્યાં વિદ્યાર્થી પર થયેલા જીવલેણ હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

જ્યારે ગંભીર ઘાયલ વિદ્યાર્થીના પિતાએ ઈન્સ્ટીટ્યૂટના મેનેજમેન્ટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા પૂછ્યું કે, જો કોઈ વાલીને મળવું હોય, તો તેમને કલાકો સુધી બહાર રાહ જોવી પડે છે. એવામાં હુમલાખોર તિક્ષ્ણ હથિયાર સાથે સંસ્થામાં કેવી રીતે ઘૂસી ગયો. આ મામલે જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.