Ahmedabad: શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ, અમદાવાદ દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગ સાથે 11 જુલાઈના રોજ વિનામૂલ્યે હાર્ટ સર્જરી અંગે MOU કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે ગુજરાતના આરોગ્ય વિભાગનાં સચિવ ડો. રતનકંવર એચ. ગઢવીચરણ એડિશનલ ડિરેક્ટર અને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણી દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે કંચનભાઈ પટેલ અને દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા.
આ કરાર હેઠળ ગુજરાત રાજ્યના તમામ જરૂરિયાતમંદ બાળકો અને પુખ્ત વયના લોકો માટે રાજકોટ અને અમદાવાદ હાર્ટ હોસ્પિટલોમાં સંપૂર્ણપણે મફત હૃદયની સર્જરી થશે. શરૂઆતમાં રાજ્યના 6 જિલ્લાના હૃદય રોગ પીડિત દર્દીઓને મફત સારવાર માટે અમદાવાદની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે.
'દિલ વિધાઉટ બિલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ છેલ્લાં 25 વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે. જેમાં ઓડિશા, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ લદ્દાખના હૃદય રોગથી પીડિત દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે. ગુજરાત 9મુ રાજ્ય છે, જેની સાથે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા કરાર કરવમાં આવ્યો છે.
ભારતના 9 રાજ્યો અને 60%થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે વિનામૂલ્યે હૃદય રોગના દર્દીઓને એક નવું જ જીવન પ્રદાન કર્યું છે.
310 બેડ, 4 ઓપરેશન થીએટર, 4 આઈસીયુ-આઈસીસીયુ, અને કેથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્પિટલમાં ૩ થી પ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્યે કરે છે.
હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો અને સમગ્ર સ્ટાફ દ્વારા અસાધારણ સમર્પણથી ચાલતી આ સેવા માનવતાની ઊંચી મૂલ્યોને ઉજાગર કરે છે. “માનવ સેવા પરમો ધર્મ” ને સાર્થક કરતી આ હોસ્પિટલ ગુજરાત ની વસ્તી માટે ગૌરવસૂચક ભુમિકા ભજવી રહી છે.
