Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ જવાથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે પણ માંડ 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ 53 મિ.મી. (2 ઈંચ) જેટલો વરસાદ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, કડાણામાં આટલો વરસાદ માત્ર 4 થી 6ના બે કલાકના સમયગાળામાં જ ખાબક્યો છે.
આ પણ વાંચો
આ સિવાય અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, નવસારીના વાંસદામાં 37 મિ.મી (1.4 ઈંચ), બનાસકાંઠાના દાંતામાં 29 મિ.મી (1.1 ઈંચ), વલસાડના ધરમપુરમાં 21 મિ.મી, ડાંગના આહવામાં 19 મિ.મી, સુબીરમાં 17 મિ.મી, સાબરકાંઠાના પ્રાંતિજમાં તેમજ દાહોદના ફતેપુરામાં 13-13 મિ.મી, સાબરકાંઠાના વડાલી અને નવસારીના ખેરગામમાં 10-10 મિ.મી વરસાદ વરસ્યો છે.
વીતેલા 2 કલાકમાં રાજ્યના માંડ 6 તાલુકામાં વરસાદના હળવા ઝાપટા પડ્યા છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન માત્ર 3 તાલુકામાં જ એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લામાં ચોમાસાનો અત્યાર સુધીમાં 344 મિ.મી (13.5) ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદની આગાહીને જોતા ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
