Surat: ભટારમાં ટ્રેક્ટરની ટક્કરથી ટ્રેલરના ટાયર નીચે આવી ગયેલા યુવકનું કમકમાટીભર્યું મોત, ઘટના CCTVમાં કેદ

ટ્રેક્ટરે અડફેટમાં લેતા બાઈક પર જઈ રહેલા બન્ને નીચે પટકાયા હતા. મૃતક સાહિલ શેખના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Jul 2025 06:27 PM (IST)Updated: Tue, 15 Jul 2025 06:27 PM (IST)
surat-news-tractor-hits-bike-man-killed-accident-caught-in-cctv
HIGHLIGHTS
  • બાઈક પર કાકા સાથે જઈ રહેલા ભત્રીજાને કાળનો ભેટો થયો
  • ખટોદરા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો

Surat: શહેરના ભટાર વિસ્તારમાં કલરકામ માટે જઈ રહેલા બાઈક સવાર કાકા-ભત્રીજાને ટ્રેક્ટરે અડફેટમાં લીધા હતા. જે પૈકી નીચે પટકાયેલા ભત્રીજા પર ટ્રેક્ટરની પાછળ રહેલા ટ્રેલરનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઉમરવાડામાં રહેતો સાહિલ મુસ્તાક શેખ (20) કલરકામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે સવારે સાહિલ તેના કાકા યાસિન શેખ સાથે બાઈક ઉપર ભટાર ખાતે કલરકામ કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ભટાર ચાર રસ્તા પર આવેલ મહારાજા હોટલ નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટમાં લેતા કાકા-ભત્રીજા રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં કાકાને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે સાહીલના માથા ઉપરથી ટ્રેક્ટરનું ટાયર ફરી વળતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ મામલે ખટોદરા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સાહિલના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ સમગ્ર ઘટના રોડ પરના CCTVમાં કેદ થઈ ગઈ હતી.