રાજકોટમાં લુખ્ખાઓ બેલગામઃ જંગલેશ્વરમાં મોડી રાતે ગુંડા ટોળકીએ કુહાડી, ધારિયા અને તલવાર લઈને આતંક મચાવ્યો

મહોરમના તહેવારમાં ન્યાઝ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ટોળાનો હલ્લાબોલ. હોટલ સંચાલકની કારની કારના કાચ તોડીને અઢી લાખ રૂપિયાનું નુકસાન કર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 15 Jul 2025 05:41 PM (IST)Updated: Tue, 15 Jul 2025 05:41 PM (IST)
rajkot-news-gang-car-vandalised-of-hotel-manager-in-jangleshwar
HIGHLIGHTS
  • હોટલ સંચાલકની કારમાં તોડફોડ કરી
  • ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

Rajkot: જંગલેશ્વરમાં જેસાણી હોલ પાસે મહોરમના તહેવારમાં ન્યાઝ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી નામચીન શખ્સ સહિત આઠેક શખ્સોએ ગેરકાયદે મંડળી રચી હોટેલ સંચાલક યુવાનની કારના કાચ ફોડી તેમજ સાઇડના દરવાજાઓ ઉપર કુહાડા,તલવાર અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી આરોપીઓએ અઢી લાખનું નુકસાન કરી ભાગી જતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જંગલેશ્વરના નુરાની ચોક નજીક કાજલ પાનની સામેની શેરીમાં રહેતા યાસીન હુસેનભાઈ સુહણા (ઉ.વ.24)એ સમીર ઉર્ફે મરઘો અને તેની સાથેના અજાણ્યા સાતેક શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

યાસીનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, હું દોસ્તી ચોક પાસે હસનસા પીરનીદરગાહ પાસે હોટલ ધરાવી વેપાર કરુ છુ. રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે મારા મિત્ર સોયબભાઇ જે ભવાનીચોક મદીના પાન પાસે આવેલ ક્વાટરમા રહે છે, જ્યા હુ ગયેલ હતો અને મને મારા ફઈના દિકરા મોસીન જે જેસાણી હોલ સામે રહે છે તેને મારી ગાડી બહારગામ લઇ જવાની હતી.

આથી મારા નાનો ભાઈ સોહીલે આ કાર મારા ફુઇના દિકરાના ઘર પાસે રાખી હતી અને મને મારા ફુઇના દિકરા મોસીનનો આશરે દોઢેક વાગ્યે ફોન આવેલ કે તારી ફોરવ્હીલ ગાડીમાં આશરે છ થી સાત જણા આવીને ગાડીના કાચ તોડી નાખેલ છે. જેથી મે 100 નંબર ઉપર ફોન કરેલ અને પોલીસની ગાડી આવી જતાં હું પોલીસ સાથે જેસાણી હોલ સામે મારા ભાઇએ પાર્ક કરેલ અમારી ફોરવ્હીલ વાળી જોતા આ મારી કારમાં તમામ સાઇડના કાચ તૂટી ગયા હતા.

તેમજ આગળના બોનેટ ઉપર કુહાડા,તલવાર અને ધારીયા મારેલના નિશાનો જોવામાં આવેલ અને ત્યારબાદ મે તથા મારા ફુઈના દિકરા મોસીને આ જેસાણી હોલના સીસીટીવી કેમેરા જોતા જેમા રાત્રીના આશરે એકાદ વાગ્યે સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના આશરે સાતેક ઇશમોએ બાઇકો ઉપર આવીને મારી ગાડી ઉપર સોડા બાટલીના ઘા તથા કુહાડા, તલવાર, ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારો મારતા જોવામા આવેલ અને મારી ગાડીમા આશરે અઢી લાખનું નુકશાન કર્યું છે.

આ બનાવ બનવાનું કારણ એવુ છે કે, મારા નાના ભાઈ સોહીલને મહોરમના તહેવાર ઉપર ન્યાઝ દેવા બાબતે આ સમીર ઉર્ફે મુરઘો નો નાનાભાઇ શાહરૂખ સાથે બોલાચાલી થઈ હોય જેથી તેનો ખાર રાખી આ સમીર ઉર્ફે મુરઘો તથા તેની સાથેના આશરે સાતેક અજાણ્યા શખ્સોએ તોડ ફોડ કરી હતી.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ હરસુરભાઈ ડાંગર અને સ્ટાફે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.