Ahmedabad: શહેરના નરોડામાં એક મહિલાએ પોતાના પુત્ર સાથે ત્રીજા માળેથી પડતૂ મૂકીને મોત વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતક મહિલાના ભાઈએ પોતાના બનેવી અને તેના સાસરિયાના ત્રાસથી પોતાની બહેને અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા સ્થિત સારથી રેસિડન્સીમાં ત્રીજા માળે રહેતા વિરાજબેન વાણીયા (33)એ આજે તેમના 7 વર્ષીય પુત્ર રિધમને લઈને બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતુ. આટલી ઊંચાઈ પરથી નીચે પટકાતા માતા અને પુત્રને ગંભીર ઈજા થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક વિરાજબેનના પતિ મિતેશકુમાર પોલીસ કર્મચારી છે. જે હાલ હિંમતનગર પોલીસમાં ડૉગ સ્ક્વોડમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આજથી 10 વર્ષ અગાઉ વિરાજબેન અને મિતેશકુમારના લગ્ન થયા હતા.
બીજી તરફ મૃતકના પરિવારજનોએ તેના પતિ મિતેશકુમાર અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. પતિ મિતેશકુમાર પર અવારનવાર વિરાજબેન સાથે મારઝૂડ કરતો હતો. જેના કારણે તેમની દીકરીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે મૃતકના પતિ સહિતના પરિવારજનોનું નિવેદન નોંધતા તેમજ મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા કોઈ સ્યૂસાઈડ નોટ લખી છે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
