Ahmedabad: શહેરના જમાલપુર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં જમણવારમાં ગાજરનો હલવો આરોગ્યા બાદ 30થી વધુ મહેમાનોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમાલપુર વિસ્તારના છીપાવાડમાં આવેલી ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરમાં પ્રવેશના પ્રસંગને લઈને જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગઈકાલે સાંજના સમયે આયોજિત ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા.
આ ભોજન સમારંભમાં પીરસવામાં આવેલ ગાજરનો હલવો ખાધા પછી મોડી રાતે કેટલાક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણની તકલીફ થવા લાગી હતી. એક જ રાતમાં 30થી વધુ મહેમાનોની તબિયત લથડતા તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સમયસર પ્રાથમિક સારવાર પૂરી પાડતાં મોટાભાગના દર્દીઓની હાલત સ્થિર થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જો કે એક દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માલૂમ પડ્યું છે.
