અમદાવાદમાં જરૂરિયાતમંદોને મળશે ઘરનાં ઘરઃ બે વર્ષમાં ચાંદખેડા-ખોખરા સહિત શહેરના 7 વિસ્તારોમાં 10 હજારથી વધુ ગરીબ આવાસ બનશે

મ્યુનિસિપલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને આપવામાં આવેલા આવાસ જર્જરિત થયા હોવાથી તેને પણ નવા બનાવવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Oct 2025 07:20 AM (IST)Updated: Wed, 22 Oct 2025 07:20 AM (IST)
ahmedabad-news-more-than-10-thousands-garib-awas-to-build-across-the-city-in-2-years
HIGHLIGHTS
  • આવાસ યોજનાના કેટલાક ટેન્ડર મંજૂરીની પ્રોસેસમાં
  • આ યોજના પાછળ રૂ. 1400 કરોડથી વધુનો ખર્ચ થશે

Ahmedabad: ભારત સરકાર તેના નાગરિકો માટે સમયાંતરે અનેક યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજના પણ તેમાંથી એક છે. ગરીબ આવાસ યોજના ગરીબોને તેમના પોતાના ઘર આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આવી જ રીતે ગરીબોને પોતાના ઘરનું ઘર મળી રહે તેમજ ઝૂંપડા રિ-ડેવલોપમેન્ટ માટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ફાળાથી ગરીબ આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 2 વર્ષમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રૂ. 1406 કરોડના ખર્ચે 10,244 જેટલા ગરીબ આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત બનનારા 10,244 આવાસ પૈકી EWS કેટેગરીના 2623 મકાન, સ્લમ રિ-ડેવલોપમેન્ટના 2497 મકાન, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3794 મકાન અને LIG કેટેગરીમાં 1233 મકાનો બનાવવામાં આવશે.

આગામી દિવસોમાં અમદાવાદના ચાંદખેડા, બહેરામપુરા,, જમાલપુર, ખોખરા, નરોડા, બાપુનગર, દાણીલીમડા અને દૂધેશ્વર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના મકાનો બનાવીને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

આટલું જ નહીં AMC દ્વારા અગાઉ વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા મકાનો પણ જર્જરિત થયા હોવાથી, તેને પણ નવા બનાવવામાં આવશે. હાલ તો ગરીબ આવાસના કેટલાક ટેન્ડરો મંજૂરીની પ્રોસેસમાં હોવાનું માલૂમ પડ્યું છે.