Crorona Cases: ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય, તેમ દૈનિક કેસ જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાના દૈનિક કેસ 100થી વધુ નોંધાયા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વીતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 167 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધીને 615 પર પહોંચી ચૂક્યો છે.
રાજ્યમાં કોરોનાના 615 સક્રિય કેસ પૈકી 600 લોકો હોમઆઈસોલેશનમાં છે. જ્યારે 15 દર્દીઓની હાલત નાજુક જણાતા તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. જ્યારે 60 દર્દીઓ સારવાર બાદ કોરોના મુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
સુરતમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરના લાલદરવાજા, વેસુ, ઘોડદોડ રોડ, પાલનપુર જકાતનાકા, વરાછા, પાર્લે પોઈન્ટ અને અઠવા લાઈન્સ વિસ્તારમાં રહેતા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી પાલનપુરના આધેડ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ સિવાય અન્ય 6 સંક્રમિતો હોમ આઈસોલેશનમાં છે. આજે નોંધાયેલા નવા 7 પોઝિટિવ કેસ પૈકી 3 દર્દીની દ્વારકા, કોલ્હાપુર અને ઉત્તર પ્રદેશની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં જે કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે, તેમાં મુખ્યત્વે JN.1, LF.7 અને XFG વેરિયન્ટ હોવાનું ધ્યાને આવ્યું છે. જે સામાન્ય વેરિયન્ટ હોવાથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવધારી રાખવી આવશ્યક છે. જો કોઈને ગંભીર બીમારી હોય, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, તો તેમણે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અથવા તો આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
