Ahmedabad Metro: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો રેલને લંબાવીને સચિવાલય સુધી કરવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર વધુ 7 મેટ્રો સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવશે.
GMRC દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, આગામી રવિવાર એટલે કે 27 એપ્રિલ, 2025ના રોજથી અમદાવાદ મેટ્રો ટ્રેનની સર્વિસને ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવશે. આ દરમિયાન મેટ્રો ટ્રેનને 7 સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
એટલે કે, મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10-Aના સ્ટેશન થઈને છેલ્લે સચિવાલય સુધી પહોંચશે. આ નવા રૂટ પર ટ્રેનનો સમય અને સંખ્યા સહિતની વિગતો આવતીકાલે GMRCની સત્તાવાર વેબસાઈટ (gujaratmetrorail.com) પર દર્શાવવામાં આવશે.
જણાવી દઈએ કે, ઓક્ટોબર-2022માં જ્યારે અમદાવાદ મેટ્રો શરૂ થઈ, ત્યારે મોટી સંખ્યામાં લોકો કુતૂહલવશ મેટ્રો ટ્રેનમાં મુસાફરીનો અનુભવ લેતા હતા. જો કે હવે મેટ્રો ટ્રેનમાં ડેઈલી અપડાઉન કરનારા તેમજ નોકરિયાત વર્ગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સચિવાલય સુધી મેટ્રો સર્વિસ શરૂ થવાથી અને નવા સ્ટેશનો ઉમેરાવાના કારણે વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યા પણ મહદઅંશે હળવી થશે.
