IPL 2025: મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા ચરમ પર છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ અત્યારે ધોની IPL મેચ રમી રહ્યો છે. ધોનીને રમતો જોવા માટે આજે પણ ફેન્સ બેતાબ છે, જેની પ્રતિતિ IPLની મેચ દરમિયાન થઈ રહી છે. જ્યાં સ્ટેડિયમમાં ધોનીના આગમન સાથે જ લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ધોની પ્રત્યે ફેન્સનો આવો ક્રેઝ જોઈને જ ઑલરાઉન્ડર અને ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડી જેમી ઓવરટન પણ ચોંકી ઉઠ્યો છે. આથી જ ઓવરટને પોતાના પિતાને મેસેજ મોકલીને ધોનીનો ક્રેઝ જોવા ખાસ ભારત બોલાવી લીધા છે.
ઈંગ્લેન્ડનો ઑલરાઉન્ડર જેમી ઑવરટન IPLમાં પોતાની પ્રથમ સિઝન રમી રહ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે. જેમાં ઓવરટને એક ઈન્ટર્વ્યૂમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલાનો ઉલ્લેખ કર્યો હતો. મેચમાં ચેન્નાઈની ટીમ હાર તરફ આગળ વધી રહી હતી અને રવિન્દ્ર જાડેજાના રનઆઉટ થવા છતાં પ્રેક્ષકોએ જે રીતે ધોનીનું સ્વાગત કર્યું, તેને જોઈનું હું અવાક થઈ ગયો.
ઓવરટને ખુલાસો કર્યો કે, ધોનીની લોકપ્રિયતા જોયા બાદ તેણે પોતાના પિતા અને એજન્ટને ખાસ મેસેજ મોકલ્યો અને ચેપોકના મેદાનમાં આવીને ધોનીની એન્ટ્રી જોવા માટે કહ્યું. આ માટે 8200 કિલોમીટર દૂર લંડનથી ચેન્નાઈની ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી દીધી.
વધુમાં જેમી ઓવરટને જણાવ્યું કે, તે ધોની પાસેથી શીખવાનો પ્રયાસ કરે છે. મેં ધોનીને નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોયો છે. તે સમયે ધોની બેટને નીચેથી પકડે છે, જ્યારે મારી બેટ પકડવાની સ્ટાઈલ થોડી ઈંગ્લિશ કે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ જેવી છે, જે બેટને ઉપરથી પકડે છે.
