બાંભણિયાના નિવેદન બાદ લાલજી પટેલે આનંદીબેનની વહીવટી પક્કડના વખાણ કર્યાં, કહ્યું- '11 વર્ષે સૌને સમજાયું હું ભાજપનો માણસ નહતો'

દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhaniya) પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) દરમિયાન આનંદીબેન પટેલને (Anandiben Patel) મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનો રંજ વ્યક્ત કરતા માફી માંગવાની વાત કહી હતી. જે બાદ લાલજી પટેલે (Lalji Patel) પણ આનંદીબેન પટેલની વહીવટી પક્કડના વખાણ કર્યા, જ્યારે હાર્દિક પટેલે પણ સ્પષ્ટતા કરી છે કે, અનામત આંદોલન કોઈને પદ પરથી હટાવવા માટે નહતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Nov 2026 05:01 PM (IST)Updated: Tue, 17 Nov 2026 05:01 PM (IST)
ahmedabad-news-lalji-patel-hails-anandiben-patel-administrative-grip-clarifies-stand-on-patidar-agitation


Ahmedabad: દિવાળી બાદ ગુજરાતમાં એક પછી એક સમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી રાજકારણ ગરમાઈ રહ્યું છે.

અગાઉ કોળી સમાજના કાર્યક્રમમાં નેતાઓના નિવેદનોએ ચર્ચા જગાવી હતી, ત્યારે હવે પાટીદાર સમાજના કાર્યક્રમમાં અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમયના નેતા દિનેશ બાંભણિયાએ (Dinesh Bambhaniya) આપેલા નિવેદન બાદ એક પછી એક સામાજિક અગ્રણીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે (Lalji Patel) પણ આનંદીબેન પટેલની (Anandiben Patel)  વહીવટી પક્કડના વખાણ કર્યાં છે.

મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને ગુમાવ્યાનો ગમઃ દિનેશ બાંભણિયાની કબૂલાત

હકીકતમાં જસદણમાં પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દિનેશ બાંભણિયાએ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અનામત આંદોલન સમયે આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રી ગુમાવ્યાનો ગમ છે. મને એ વાતનું ભારોભાર દુઃખ છે કે, આવા સારા મુખ્યમંત્રીને પદ પરથી હટાવવા માટે અમે આંદોલનકારીઓ એક બહાનું બન્યા. આનંદીબેન જેવા મુખ્યમંત્રીને પદ પરથી હટાવીને પાટીદાર સમાજને જ નુકસાન થયું છે. હવે આવું નુકસાન ના થવું જોઈએ. હું આનંદીબેન પટેલની માફી માંગવા પણ તૈયાર છું.


હવે દિનેશ બાંભણિયાના માફી વાળા નિવેદન બાદ પાટીદાર સમાજના અન્ય નેતાઓ પણ સામે આવી રહ્યા છે. પાટીદાર અનામતનો પોસ્ટર બોય બનેલા અને ફાયર બ્રાન્ડ હાર્દિક પટેલે જણાવ્યું કે, અનામત આંદોલન કોઈને પદ પરથી હટાવવા માટે નહતુ, પરંતુ સમાજના હિત માટે હતુ. હવે સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભાજપની નીતિઓનો અને પાર્ટીનો વિરોધ કરો, પાટીદાર નેતાઓનો નહીંઃ લાલજી પટેલ

લાલજી પટેલે જણાવ્યું કે, આજથી 11 વર્ષ પહેલા મેં અનામત આંદોલન સમયે આપેલી ચેતવણીઓ આજે સાચી સાબિત થઈ રહી છે. હું પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા તમામ આગેવાનોને વારંવાર ટકોર કરતો હતો કે, ભાજપ સરકારની નીતિઓ અને પાર્ટીનો જરૂર વિરોધ કરવો જોઈએ, પરંતુ પાટીદાર નેતાઓનો વિરોધ ના કરશો.

તે સમયે પાટીદાર આગેવાનો કોઈના ષડયંત્રનો શિકાર બનીને તત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નીતિન પટેલ, ગૃહમંત્રી રજની પટેલ અને જીતુ વાઘાણી જેવા પાટીદાર નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા. જો કે તે સમયે શિખામણ આપવા છતાં મને ભાજપના માણસ તરીકે ચિતરવામાં આવ્યો હતો. જો કે આજે 11 વર્ષ પછી સૌને સમજાઈ ગયું ચે કે, સાચો માણસ કોણ હતો અને કોણે સમાજના હિતમાં લડાઈ લડી છે.

આનંદીબેનની વહીવટી તંત્ર પર મજબૂત પકડ, અત્યારે ગુજરાતમાં અધિકારીઓનું રાજ

વધુમાં લાલજી પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓનો વ્યક્તિગત વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. પોતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, હું પોતે પણ દરેક જ્ઞાતિની દીકરીઓઓ અને માતા-પિતાના હિતમાં 6 વર્ષથી લગ્નની નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે ભાજપ સરકાર સામે લડી જ રહ્યો છું.

આનંદીબેન પટેલના શાસનને યાદ કરતાં જણાવ્યું કે, આનંદીબેન મોટા હ્રદયના નેતા હતા અને વહીવટી તંત્ર પર તેમની મજબૂત પકડ હતી. અત્યારે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. અંતમાં તેમણે ઉમેર્યું કે, હવે ભૂતકાળની બાબતો પર પસ્તાવો કરવાથી કોઈ ફરક પડવાનો નથી, પરંતુ અત્યારે જે આંદોલન અને પ્રશ્નો છે, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.