Ahmedabad Demolition News: અમદાવાદ શહેરના કાલુપુરમાં ઝૂલતા મિનારા અને સાળંગપુર સર્કલ પાસે મહાનગરપાલિકા (AMC) દ્વારા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહીં, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભાડે અપાયેલ 20 દુકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવતા વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ મનપા તંત્રએ સંબંધિત એકમોને નોટિસ પણ પાઠવી હતી.
કાલુપુર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી
રોડ પહોળો કરવાના હેતુથી કાલુપુર વિસ્તારમાં ઝૂલતા મિનારા પાસે આવેલી 20 કોમર્શિયલ દુકાનોનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ આજે 28 નવેમ્બર, શનિવારે બપોરે સ્થળ પર પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 JCB અને અંદાજે 50 કર્મચારીની મદદથી આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
JCB સામે બેસીને મહિલાઓનો વિરોધ
ડિમોલિશનની કામગીરી શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક વેપારીઓએ વિરોધ ભારે કર્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે JCB લઈને સ્થળ પર પહોંચતા સ્થાનિક મહિલાઓ રસ્તા પર JCB આગળ બેસી ગઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મહિલાઓને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને વેપારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.
મિલકત ખાલી કરવા આપી હતી નોટિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત કોમર્શિયલ મિલકતો ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને વાત રજૂ કરવાની તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ પાઠવવામાં આવી હતી. આજે AMC ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો અને આસપાસનાદબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જોકે, વેપારીઓએ કામગીરીનો વિરોધ કરીને દુકાનો તોડવા માટે સમય આપવાની માંગ કરી હતી.
'70 વર્ષથી વેરો, ભાડું-લાઈટ બિલ ભરીએ છીએ'
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા 70 વર્ષથી દુકાનનું વેરો, ભાડું તેમજ લાઈટ બિલ ભરી રહ્યા છે. તેમ છતાં અચાનક દુકાનો તોડવા માટે તંત્ર આવી પહોંચ્યું છે. અમે એટલી માંગણી કરી રહ્યા છીએ કે અમને સોમવાર સુધીનો સમય આપવામાં આવે. કોર્ટ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. દુકાનના આધારે અમારું ઘર ચાલે છે. જો દુકાન તોડી નાખવામાં આવશે તો અમે શું ખાઈશું અને બાળકોની ફી ક્યાંથી ભરીશું?"
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી
AMC ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવા માટે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 20 દુકાનો તોડવા માટે 5 JCB અને અંદાજે 50 કર્મચારીઓની ટીમ કામે લગાડવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.
એક તરફ AMC રોડ પહોળો કરવા માટે ડિમોલિશનની કામગીરી કરી રહી છે, બીજી તરફ દુકાનદારો પોતાની આજીવિકાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. વેપારીઓએ દુકાનો તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા અથવા વધુ સમય આપવાની માગણી કરી છે. ઘટનાને પગલે કાલુપુર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
