Ahmedabad Demolition News: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને TP રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. મકરબા અને સનાથલ વિસ્તારમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 75 ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવામાં આવ્યા છે.
1.62 કિમી લાંબો TP રોડ ખુલ્લો દબાણ મુક્ત
અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે મકરબા વિસ્તારમાં 51 દબાણ હટાવી 525 મીટર, જ્યારે સનાથલ વિસ્તારમાં 24 કોમર્શિયલ બાંધકામ દૂર કરી 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. બંને સ્થળે મળીને કુલ 1,625 મીટર એટલે કે 1.62 કિમીનો રસ્તો દબાણમુક્ત થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળશે.
મકરબા અને સનાથલમાં ડિમોલિશન કાર્યવાહી
અમદાવાદમાં ટીપી રોડ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી અંતર્ગત AMC દ્વારા મકરબા અને સનાથલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 75 બાંધકામો અને દબાણ દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.

વેજલપુર વોર્ડના મકરબા વિસ્તારમાં 51 દબાણો દૂર કરીને 525 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો છે. જ્યારે સરખેજ વોર્ડના સનાથલ વિસ્તારમાં 24 કોમર્શિયલ બાંધકામ દૂર કરીને 1,100 મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. આમ, બંને વિસ્તારોમાં મળીને કુલ 1,625 મીટર એટલે કે 1.62 કિમીનો રસ્તો દબાણમુક્ત કરવામાં આવ્યો છે.
મકરબા વિસ્તારમાં 51 દબાણ જમીનદોસ્ત થયા
વેજલપુર વોર્ડના મકરબા વિસ્તારમાં ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફ રેલવે ફાટકની સમાંતર આવેલા રસ્તા પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન વિવિધ પ્રકારના ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન 29 રહેણાંક પ્રકારના, 14 કોમર્શિયલ પ્રકારના અને 5 ધાર્મિક પ્રકારના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 3 કમ્પાઉન્ડ વોલ પણ તોડી પાડવામાં આવી હતી. આમ, કુલ 51 દબાણો દૂર કરીને 525 મીટર લંબાઈનો ટીપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.

કાચા રસ્તા પર હવે પાકો રોડ બનાવવામાં આવશે
મકરબા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવેલા આ રસ્તાની હાલની સ્થિતિ કાચા રસ્તા જેવી છે. હવે દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યા બાદ પાકો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રસ્તો સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે ખાસ મહત્ત્વનો છે. હાલમાં વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પર બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં મકરબા તરફ આવવા-જવા માટે ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફ જતો રસ્તો ખુલ્લો થવાથી વાહન ચાલકોને અવરજવરમાં સરળતા રહેશે. ખાસ કરીને વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પર બ્રિજની કામગીરીને કારણે ઊભી થતી ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીમાં સ્થાનિક લોકોને રાહત મળવાની શક્યતા છે.
સનાથલમાં પણ 24 કોમર્શિયલ બાંધકામ દૂર કરાયા
બીજી તરફ, સરખેજ વોર્ડના સનાથલ વિસ્તારમાં AMC દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ટીપી સ્કીમ નંબર 444 (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા 12 મીટર પહોળા ટીપી રોડ પર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રસ્તા પરના 24 કોમર્શિયલ પ્રકારના બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.
1.62 કિમીનો TP રોડ ખુલ્લો થતા નાગરિકોને રાહત
AMC દ્વારા મકરબા અને સનાથલમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 75 દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરીથી બંને વિસ્તારોમાં રસ્તાની ઉપલબ્ધ પહોળાઈ અને અવરજવરમાં સુધારો થવાની આશા છે. ખાસ કરીને સ્થાનિક રહીશો, વાહનચાલકો અને વેપારીઓને રસ્તા ખુલ્લા થવાથી સુવિધા મળશે.
