Vautha Lok Mela 2026: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે પવિત્ર સપ્તનદીના સંગમ સ્થાને સુપ્રસિદ્ધ ઐતિહાસિક વૌઠાના લોકમેળાનો આજે 20 નવેમ્બરથી ભવ્ય પ્રારંભ થયો છે. 25 નવેમ્બર સુધી ચાલનારા મેળામાં ધાર્મિક આસ્થા, લોકસંસ્કૃતિ, પશુવેપાર અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. ખાસ કરીને ગધેડા અને ઊંટના વિશાળ પશુબજાર માટે વૌઠાનો મેળો દેશભરમાં જાણીતો છે.
સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મેળાનો શુભારંભ
ગુજરાતના સુપ્રસિદ્ધ લોકમેળાઓમાં આગવું સ્થાન ધરાવતા વૌઠાના ઐતિહાસિક મેળાનો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભવ્ય પ્રારંભ થયો છે. પવિત્ર સપ્તનદીના સંગમ સ્થાને યોજાતા આ લોકમેળાનો ઉદ્ઘાટન સમારોહ ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વૌઠા મેળા મેદાનમાં યોજાયો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ જિલ્લા પંચાયત અને ધોળકા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

25 નવેમ્બર સુધી લોકસંસ્કૃતિ અને ભક્તિનો માહોલ
વૌઠાનો ઐતિહાસિક મેળો 21 નવેમ્બરથી આગામી 25 નવેમ્બર સુધી યોજાશે. 6 દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડવાની શક્યતા છે. ધાર્મિક આસ્થા, વર્ષો જૂની પરંપરા, પશુવેપાર અને લોક મનોરંજનના અનોખા સંગમ સમાન આ મેળામાં ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળશે.
મેળામાં ઊભી થયેલી તંબુઓની નગરી, રંગબેરંગી રોશની, ચકડોળ, વિવિધ મનોરંજન રાઇડ્સ, લોકડાયરા, ભજન મંડળીઓ અને પરંપરાગત ખાણીપીણીના સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મેળો ગ્રામ્ય જીવન અને ગુજરાતની લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે.
સપ્ત નદીનું પવિત્ર સંગમ, ચકલેશ્વર મહાદેવના દર્શન
વૌઠા ગામની વિશેષતા એ છે કે અહીં સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક, શેઢી, માઝુમ અને હાથમતી એમ કુલ સાત નદીઓનો પવિત્ર સંગમ થાય છે. આ સપ્તનદીના સંગમસ્થળે ધાર્મિક આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચે છે. પવિત્ર સંગમમાં સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ગુજરાત સહિત દૂર-દૂરના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને કારણે વૌઠાનો મેળો ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ગધેડા-ઊંટનું વિશાળ બજાર મેળાનું મુખ્ય આકર્ષણ
વૌઠાનો મેળો સમગ્ર દેશમાં ખાસ કરીને તેના વિશાળ પશુબજાર માટે પ્રખ્યાત છે. આ મેળામાં ગધેડાની લે-વેચનું મોટું બજાર ભરાય છે, જે મેળાનું સૌથી મોટું અને આગવું આકર્ષણ ગણાય છે. ગધેડા ઉપરાંત ઊંટની પણ ખરીદી અને વેચાણ થાય છે. પશુપાલકો અને વેપારીઓ પોતાના પશુઓને રંગબેરંગી શણગારથી સજાવીને મેળામાં લાવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને કારણે વૌઠાનો મેળો પશુવેપારના વિશિષ્ટ કેન્દ્ર તરીકે ઓળખાય છે.
રોમાંચક રાઈડ્સ અને ખાણીપીણીના સ્ટોલ ઉપલબ્ધ
ધાર્મિક અને વેપારી મહત્ત્વ ઉપરાંત વૌઠાનો મેળો મનોરંજન માટે પણ જાણીતો છે. મેળામાં ચકડોળ, બ્રેક ડાન્સ, મોતનો કૂવો સહિતની વિવિધ રોમાંચક રાઇડ્સ ઊભી કરવામાં આવી છે. બાળકો અને પરિવારો માટે આ રાઇડ્સ ખાસ આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત મેળામાં ખાણીપીણીના અસંખ્ય સ્ટોલ્સ, લોક ડાયરા અને ભજન મંડળીઓ દ્વારા મુલાકાતીઓને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
સ્ટોલ-પ્લોટની હરાજીથી રૂપિયા 2.80 કરોડ આવક
વૌઠાના મેળાના આયોજન અંતર્ગત સ્ટોલ અને પ્લોટની હરાજી કરવામાં આવી છે. આ હરાજી થકી અંદાજે રૂ. 2.80 કરોડની આર્થિક આવક થવાનો અંદાજ છે. મેળામાં વેપારીઓ અને ધંધાર્થીઓને વિવિધ પ્રકારના સ્ટોલ અને પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા
મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટવાના હોવાથી વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકોની અવરજવર સરળ બને તે માટે વધારાની એસ.ટી. બસોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા મેળા દરમિયાન સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું વૌઠા ગામ ફરી એકવાર ધાર્મિક આસ્થા, પરંપરા, પશુવેપાર અને લોક મનોરંજનના અનોખા સંગમનું સાક્ષી બની રહ્યું છે. 25 નવેમ્બર સુધી ચાલનારા આ ઐતિહાસિક લોકમેળામાં ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનની અનોખી રોનક માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
